Search This Blog

અંધશ્રદ્ધા....- શ્રી ગોવિન્દ મારુ.


અમારા એક પરીચીતનું નામ લલ્લુભાઈ. એ રહે લાખાવાડીમાં. (નામ, ગામ અને આખો કીસ્સો કાલ્પનીક છે) કારણ શું હશે તે ખબર નહીં; પણ ગામમાં બધા એમને ‘લલ્લુ લંગોટી’ કહેતા. પણ મુશ્કેલી એ હતી કે એમને ખુદને બીજાનાં એવાં ટીખળી નામો પાડવાની આદત હતી, એથી ગુસ્સો કરી શકાય એમ હતું નહીં; પણ શીક્ષક હતા, એટલે ભુલ સુધારતા હોય એ રીતે એક વાક્ય બોલ્યા: ‘લંગોટી’ શબ્દ સુરુચીનો ભંગ કરે છે. માળાઓ…, જરા શોભે એવું તો બોલો… !’ પછી એમની વીનંતીને માન આપીને લોકોએ નામ ફેરબદલી કરીને ‘લલ્લુ લખોટી’ રાખ્યું. અખબારમાં નામ બદલ્યાની જાહેરાત પણ આપી- ’હું લાખાવાડીનો લલ્લુ, ‘લલ્લુ લંગોટી’ તરીકે ઓળખાતો હતો તે હવેથી ‘લલ્લુ લખોટી’ તરીકે ઓળખાઈશ.’

ઉપરની કાલ્પનીક ઘટના વાંચી તમને થશે કે હું કોઈ હાસ્યલેખ લખવાની ચેષ્ટા કરી રહ્યો છું. પણ ના, વાત અંધશ્રદ્ધાની કરવી છે. એથી ગમ્ભીરપણે જો એમ કહું કે ‘લાખાવાડીનો લલ્લુ લખોટી લંડન જાય તો ત્યાં પણ બારસાખે લીંબુ અને મરચું લટકાવે…’ તો કોઈને આશ્વર્ય નહીં થાય. કેમ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે રીતે ‘લીંબુ અને મરચું’ ને આપણે આપણી અન્ધશ્રદ્ધાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારી લીધું છે.

હમણાં મુમ્બઈ જવાનું બન્યું. ત્યાં પણ મેં દુકાનમાં, કે ઘરોમાં લીંબુ અને મરચું લટકતાં જોયા ! (મી મુમ્બઈત અંધશ્રદ્ધા ચા ભાંડા ફોડુન ટાકલા… !)
શોધવા નીકળો તો દર દશમાંથી એક ઘરે અને દુકાને (અરે… હૉસ્પીટલોમાં અને સાયન્સની લેબોરેટરીના દરવાજે સુધ્ધાં..!) લીંબુ અને મરચું લટકતું જોવા મળશે. આ લખાય છે ત્યારે યોગાનુયોગ ‘ગુજરાતમીત્ર’ માં પ્રેમ સુમેસરા એક ચર્ચાપત્રમાં લખે છે- સુરત મહાનગરપાલીકાએ પચાસ કરોડ રુપીયાના ખર્ચે અત્યાધુનીક સાયન્સ સેન્ટરનું નીર્માણ કર્યું. એક અખબારી અહેવાલ અનુસાર એનું બાંધકામ સમ્પુર્ણપણે વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ કરવામાં આવ્યું છે. આ જાણ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે બારાખડીમાં જ જોડણીની ભુલ કરવામાં આવી હોય.

હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે ! પલાસ્ટીકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ કરેલું કહેવાય. આપણે સમાજ બદલવાની બુમરાણ મચાવીએ છીએ પણ સમજ બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વીચારો બદલતાં નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હૃદયમાં પેસમેકર બેસાડીએ છીએ; તો બીજી તરફ એ જ કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ..

-- શ્રી ગોવિન્દ મારુ

No comments:

Post a Comment