Search This Blog

આજથી મનોમન

આ વાત નક્કી કરી લો

......... એટલા મક્કમ બનજો કે

કોઇ પણ ઘટના તમારી માનસિક

શાંતિ હણી ના શકે

.......જેને-જેને મળો એ બધા સાથે

વાતોનો વિષય સુખ,સ્વાસ્થ્ય અને

સમૃદ્ધિ હોય

...... તમારા મિત્રોને એવી

અનુભૂતિ કરાવો કે એમની અંદર

કૈંક છે.

............ .દરેક બાબતની સારી

બાજુ નિહાળજો અને

તમારા આશાવાદને સાચો પાડવા

કોશિશ કરજો

..... ફક્ત શ્રેષ્ઠ બાબતો જ વિશે

વિચારજો,

ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ

કરજો,

અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા

રાખજો.

...........બીજાની સફળતા માટે

એટલા જ ઉત્સાહી રહેજો

જેટલા તમે તમારી સફળતા માટે હો.

ભુતકાળની ભૂલો ભુલી જઇને

ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે

કામે લાગી લજો.

......તમારા સ્વ-વિકાસમાં એટલા

રચ્યા-પચ્યા રહો કે

બીજાની કુથલી કરવા માટે તમારી

પાસે સમય જ ના હોય

.........ચિંતા હણી ના શકે એટલા

વિશાળ બની જજો,

ક્રોધ સવાર ના થઇ શકે એટલા

ઉમદા બની જજો

ભય સતાવી ના શકે એટલા

શક્તિશાળી બની જજો

અને

વિપદાઓ નજીક ફરકી ના શકે

એટલા પ્રસન્ન રહેજો!


પડકારોને અવરોધો નહીં,

અવરોધોને પડકારો!
પ્રોસેસ્ડ ફૂડનું ખતરનાક આક્રમણ - Kanti Bhatt

ભારતના કિશોરો પર પ્રોસેસ્ડ ફૂડનું ખતરનાક આક્રમણ
Kanti Bhatt


તમે તમારા બાળકને સિગારેટ પીવા આપશો? હાનિકારક પ્રિઝર્વેટિવ્ઝ, એડીટિવ્ઝ, ખાંડ અને કૃત્રિમ રંગોવાળા જંકફૂડનું પણ વ્યસન થાય છેprocessed foodસર ફ્રાન્સિસ બેકને આજથી ૩૮૪ વર્ષ પહેલાં કહેલું- એક માનવની મૂર્ખાઈ બીજા તકસાધુ વેપારી માટે ધનના ઢગલા ખડકાવે છે. આજે આખા ભારતને મૂરખ બનાવીને ઠંડાં પીણાંની મિલ્ટનેશનલ કંપનીઓ તેના જંકફૂડ પીરસે છે. તેમાં ૧ ઓક્ટોબર, ૨૦૦૯થી ભારતના શોખીન મૂરખ લોકો માટે જવની નવી પ્રોડક્ટ મુંબઈની બજારમાં મૂકીને અમેરિકામાં ઘોડા ખાય છે, તે જવને રૂપાળા અને કૃત્રિમ સ્વાદવાળા બનાવીને લૂંટવા આવ્યા છે.

આજે ભૂંડા ટીનપેકડ નાસ્તાનું આક્રમણ ભારત પર થઈ રહ્યું છે. ‘ધ એન્ડ ઓફ ફૂડ’ નામના પુસ્તકમાં પોલ રોબર્ટ્સ લખે છે કે બ્રેકફાસ્ટ સિરિયલ નામનો રૂપાળા નામવાળો વાસી નાસ્તો કિશોરો ઝાપટે તે માટે અમેરિકન ફૂડ ઇન્ડસ્ટ્રી ૩૩ અબજ ડોલર માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં ખર્ચે છે. આજે અમેરિકા અને હવે ભારતમાં વાસી નાસ્તા,ફ્રેંચ ફ્રાયઝ, ક્વેકર્સ ઓટસ, કોલાના પીણાં વગેરેનું એડવર્ટાઇઝિંગ બજેટ મોટરકાર ઇન્ડસ્ટ્રીના બજેટ પછી બીજે નંબરે આવે છે.

બીબીસીએ આધારભૂત આંકડા મેળવીને લખેલું કે સોફ્ટ ડ્રિક્સ અને સવારના વાસી રૂપાળા નાસ્તાની ફૂડ ઇન્ડસ્ટ્રી ૧૨૬ અબજ ડોલરની છે, એટલે કે વર્ષે તેનો ઊથલો રૂ.૬ લાખ કરોડનો છે. વાસી નાસ્તા બનાવતી કંપનીનાં ડબલાં યુરોપ-અમેરિકામાં ઓછાં ખપતાં હતાં. તેથી હવે તેઓ તેનું વ્યસન પાડવા ભારતમાં કરોડોના એડવર્ટાઇઝિંગ બજેટ સાથે ખાબક્યા છે.

આવા વાસી નાસ્તા તમારાં બાળકો સવાર-સાંજ નહીં, આખો દિવસ ભૂખ વગર ઝાપટે તેવા કૃત્રિમ સ્વાદવાળા બનાવે છે અને આખો દિવસ ખાધા કરે તેવી જાહેરખબરો છપાવે છે. તેમાં રેડિયેશનની ખતરનાક પ્રક્રિયા હોય છે. અનેક હાનિકારક પ્રિઝર્વેટિવ્ઝ, એડીટિવ્ઝ, ખાંડ અને કત્રિમ રંગો હોય છે.

આવા નાસ્તા ભારતમાં આવે છે ત્યારે જાહેરખબરભૂખ્યા જૂનાં અંગ્રેજી અખબારો ચંડાળની જેમ પૈસા કમાવા તેવા નાસ્તાને પ્રચલિત કરવામાં મદદ કરે છે. કોઈ પણ ખાધચીજને એક વર્ષ કે બે વર્ષ પહેલાં પેક કરી તેને બજારમાં મૂકીને કમાવાનું સહેલું કે સસ્તું નથી. અઢળક જાહેરાત કરવી પડે છે. ફિલ્મી હીરો અને રમતવીરો જેવા ધનભૂખ્યા સેલિબ્રિટીના એન્ડોર્સમેન્ટ મેળવાય છે, તેમને સ્પોન્સર કરનારા મળી જાય છે. બાળકોને આંટીમાં લેવા તેને ઇનામી યોજના કે ખાવાની સ્પર્ધા યોજાય છે તેમાં સંડોવે છે.

તમે તમારા બાળકને સિગારેટ પીવા આપશો? કોકેન જેવું કેફી પદાર્થવાળું પીણું આપશો? નહીં આપો. કારણ કે એનાથી ખરાબ આદત પડે છે. વ્યસન થાય છે, પરંતુ તમે સવારે સુધરેલા બની ગયા હો તો ખાંડથી ભરપૂર, ચરબીવાળા, અતિ નમકવાળા અને રૂપાળા ડબ્બામાં પેક કરેલા નાસ્તા ખુશીથી આપો છો. આવા જંકફૂડનું પણ વ્યસન થાય છે તેવું કેથી અર્નેસ્ટ નામની મહિલા પત્રકાર ‘બિઝનેસ વીક’માં લખે છે. આજે આવા નાસ્તા કરીને યુરોપ-અમેરિકાનો દરેક ત્રીજો બાળક સ્થૂળદેહી-અદોદળો અને ભંભૂટિયા જેવો થઈ ગયો છે. જલદી રોગનો ભોગ બને છે.

ડો.ડેવિડ કેસલર ‘ધ એન્ડ ઓફ ઓવર ઈટિંગ’ નામના પુસ્તકમાં લખે છે: કોઈ પણ જંકફૂડમાં જો ખાંડ, ચરબી અને મીઠું હોય તો તે બાળકના મગજને સ્ટીમ્યુલેટ કરે છે-જે રીતે સિગારેટ મગજને કૃત્રિમ ઉત્તેજના આપે છે. દારૂ તમારા મગજને ઉત્તેજિત કરે છે તે રીતે જંકફૂડ બાળકોનાં મગજને ઉત્તેજિત કરીને તેનું વ્યસન પાડે છે. વળી બાળકોને આ વાસી નાસ્તા સ્વાદિષ્ટ લાગે છે એટલે હંમેશાં અકરાંતિયાં થઈને ખાય છે. ડો.કેસલર કહે છે કે જંકફૂડ કંપનીની બદમાસી થકી બાળકો ૨૫ ટકા વધુ ખાય છે અને તે માટે બાળક કરતાં તેનાં અજ્ઞાન માબાપો વધુ જવાબદાર છે.

પરંતુ સબૂર, તમે પૂછશો કે ભારત પર નવું આક્રમણ કરનારી આ જવની પ્રોડક્ટ શું છે? આપણે શરૂથી જવને જાણીએ. અંગ્રેજીમાં જવને ઓટ્સ અગર બાર્લી કહે છે. સંસ્કતમાં યવ કહે છે. યજ્ઞમાં જવ હોમાતા. આપણી માતાઓ ખેતરમાંથી આવેલા જવની ધેંશ બનાવીને તાજી તાજી ખવડાવતી. ઉત્તર ભારતમાં અને બિહારમાં આજેય સાતુ તરીકે જવ ખવાય છે.

તમિળમાં અરિગુ કહે છે. તેલુગુમાં યવધાન્ય કહે છે. ફારસીમાં જવ કહે છે, જે અસલી જવ આવતા તેમાં રાસાયણિક ખાતર કે કોઈ જ દવા છંટાતી નહીં. આ જવ ગર્ભવતી સ્ત્રીના ગર્ભને સ્થિર કરવા અને ગર્ભપાત ન થાય તે માટે જવ-તલ-સાકરનું સરખે ભાગે ચૂર્ણ કરી મધમાં ચટાવાતું. ધાતુપુષ્ટિ (વીર્ય વધારવા) માટે જવનો આટો ગાયનું તાજું ઘી અને સાકર નાખીને તોલાભર મરી (એક રતલ જવ હોય તો જ) બે એલચી દાણા એ બધાનો ભૂકો કરીને વૈદો કલઈ કરેલા વાસણમાં તપાવીને પછી રાત્રે કપડું બાંધીને ખુલ્લી જગ્યામાં ઝાકળમાં રાખતા, પછી સવારે ગાયના દૂધ સાથે એ ચૂર્ણ પીવાતું!

આ જવની ખેતી ભારતમાં ઓછી થવા માંડી છે પણ ઓસ્ટ્રેલિયામાં ઘોડાનો ઉછેર બહુ થાય છે ત્યાં ઘોડાને જવ ખવરાવવા જવની ખેતી ખૂબ થાય છે. વધુપડતી થાય છે. વધારાના જે જવ ઘોડા ખાય છે તેને જંકફૂડવાળા સસ્તેથી આયાત કરીને તેને રૂપાળા-સ્વાદિષ્ટ બનાવીને આપણને મૂરખ બનાવવા આવે છે.

અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જવ ખૂબ પાકવા માંડ્યા અને પાણીને ભાવે મળતા હતા ત્યારે ૧૮૭૭માં ૧૩૨ વર્ષ પહેલાં ફર્ડિનાન્ડ શુમેકર અને જ્હોન સ્યુઅર્ટ નામના બે તિકડમબાજે ઓટમિલ સિરિયલ કંપની શરૂ કરી. શંકા હતી કે લોકો આ ઓટનો નાસ્તો કેમ ખરીદશે, કારણ કે જવ તો ગરીબનો ખોરાક છે. ધનિકનાં બાળકો તેને કેમ ખાશે? એટલે ક્વેકર્સ ઓટ્સ નામ આપીને તેને પ્રતિષ્ઠા અપાવી.


તમે જાણતા હશો કે પિશ્ચમમાં એક ક્વેકર્સ ગ્રૂપ છે. એ લોકો માનવજાતના મિત્રો છે તેવો દાવો કરે છે. એ લોકો ઈશ્વરના મિત્ર છે તેમ ૧૬૫૦થી કહેતા આવેલા, એટલે ઓટને રૂપાળા બનાવીને વેચવા ડબ્બાપેક નાસ્તાને ક્વેકર્સ ઓટ્સ કહેવામાં આવ્યા! ૧૯૦૧માં આ બે ભાગીદારો સાથે હેન્રી પાર્સન ક્રોમવેલ નામનો સુપર તિકડમબાજ ભળ્યો અને તેણે કવેકર્સ લોકો વાંધો ન લે તે માટે કવેકર્સ ઓટ્સના પેટન્ટ જલદી જલદી લઈ લીધા. આમ આ અમેરિકન સિરિયલ કંપની જબ્બર નફો કરવા માંડી. જે કોઈ ક્વેકર્સ ઓટનું ડબલું ખરીદે તેને ૧૯૨૦માં એક રેડિયો ભેટ અપાતો.

ક્વેકર્સ ઓટ્સ જલદી ચાલ્યા નહીં એટલે ક્વેકર કંપનીએ ચોકલેટ અને તેની ફિલ્મ બનાવતી કંપની દ્વારા એક ફિલ્મ બનાવી. એ પછી અમેરિકા-યુરોપમાં ૨૧મી સદીમાં લોકો બાળકો માટેના નાસ્તા વિશે જાગૃત થતાં આવી કંપનીઓના નાસ્તાની ખપત ઓછી થતાં લાગ્યું કે ભારત નામનો મૂરખ દેશ છે ત્યાં કંઈ પણ અમેરિકન બ્રાન્ડ હોય જાહેરખબરને જોરે કંઈ પણ ખાવાનો ફેશનેબલ કચરો ખપાવી શકાય છે. એટલે હવે આવી કંપનીઓ ભારત તરફ ખેંચાઈ રહી છે.

૧૯૮૦ના દાયકામાં હોલિવૂડના એક હીરોને અમુક બ્રાંડના જંકફૂડ ખાતો બતાવે છે, આવા ભારતનાં જાહેરખબરની ભૂખવાળા હડકાયાઓ છે તેવા ફિલ્મસ્ટારો અને સ્પોર્ટ્સમેનોને આંતરીને જંકફૂડ કંપનીની જાહેરાતો હવે તમારા માથે મરાશે. ફરી ફરી જે ‘વધુપડતા ભણેલા’ છે અને જે તેમનાં બાળકોને જંકફૂડના રવાડે ચડાવવાના છે, તેમણે નાસ્તાના ઉત્પાદકોને બિઝનેસમાં કોઈ નૈતિકતા કે માપદંડો હોતા નથી, એ જાણો લેવું જોઈએ.

હવે ભારતમાં જંકફૂડ ઇન્ડસ્ટ્રી મોટે પાયે ખાબકતાં જગતમાં જંકફૂડ ઉધોગ ૧૫૦ અબજ ડોલરનો ઊથલો કરશે. નવું જંકફૂડ લોન્ચ કરનારી મિલ્ટનેશનલ કંપની દાવો કરે છે કે પંજાબ, મઘ્ય પ્રદેશ, કણાર્ટક અને રાજસ્થાનના ૪૦,૦૦૦ ખેડૂતો પાસે ૫૦,૦૦૦ એકરમાં જવની ખેતી કરાવાશે. અત્યારે તો આપણી આંખમાં ધૂળ નાખવાના સમાચાર છે તેવી શંકા પડે છે, પણ હાલ તુરત ઓસ્ટ્રેલિયામાં જે ઘોડા ખાય છે તે જવને પ્રોસેસ કરીને તેને ભારતમાં સુંદર પેકિંગમાં વેચાય છે.

હેન્રી મીલર નામના વિખ્યાત સાહિત્યકારે અમેરિકન ફૂડ ઇન્ડસ્ટ્રીની બદમાશીને પ્રગટ કરતાં ૧૯૪૭માં લખેલું કે અમેરિકન લોકો એટલા મૂરખ છે જે ગાર્બેજ ખાવા તૈયાર છે, (ગાર્બેજ એટલે ઉકરડામાં નાખવા જેવી ચીજ.) જો એ ગાર્બેજની ઉપર તમે કેચઅપ નાખો, ચીલી સોસ નાખો અને પીપર ભભરાવો તો અમેરિકનો ગાર્બેજ પણ સ્વાદિષ્ટ લાગતાં આરોગી જશે! હવે આપણને ગાર્બેજ ખવડાવવા અમેરિકન ફૂડ કંપનીઓ તૂટી પડી છે.

ગુજજુ ટુરિસ્ટોના ‘ટોપ ટેન’ સંગાથી - Aha Jindagi

ગુજજુ ટુરિસ્ટોના ‘ટોપ ટેન’ સંગાથી

Aha Jindagi

દુનિયાભરમાં ઘૂમી વળતા ગુજરાતી ટુરિસ્ટોને તમે જો પૂછો કે ‘ગ્લોબ ટ્રોટર એટલે શું?’ તો તમને સામું પૂછશે ‘ઐ કયાં આવ્યું? જોવા જેવું છે?’ (તમારા મનમાં પણ આવા સવાલો ઊઠતા હોય તો જાણી લો કે ગ્લોબ ટ્રોટર એટલે દુનિયાભરમાં ઘૂમનાર). આવા ગુજજુ ટુરિસ્ટોની સાથે અમુક ખાસિયતો હંમેશાં જોડાયેલી જ હોય છે. આવો, જોઇએ એમની ટોપ ટેન હેબિટ્સ...*ભીડજો તમે કોઇપણ અલ્પેશ, કલ્પેશ કે જલ્પેશને એમ કહો કે ‘બોસ, તમે કદી નર્મદાના ભેડાઘાટ અને બીજી કોતરોમાં બોટિંગ કરવા ગયા છો? ત્યાં અદભૂત શાંતિ હોય છે’ અથવા કહો કે ‘ડેન્માર્કમાં તમે ગામડાંમાં ગયા છો? ત્યાં ગજબનું સૌંદર્ય પથરાયેલું છે.’તો દરેક અલ્પેશ, કલ્પેશ કે જલ્પેશ તમને સામો સવાલ પૂછશે: ‘એમ? ત્યાં બહુ બધા લોકો જાય છે?’જેવું તમે કહો કે ‘અરે ના યાર! ત્યાં તો કોઇ ભીડભાડ હોતી જ નથી!’ તરત જ અલ્પેશ, કલ્પેશ, જલ્પેશનાં મોં ઊતરી જશે:‘જ્યાં કોઇ જતું જ ના હોય, ત્યાં આપણે સુ લેવા જવાનું?’ટૂંકમાં જ્યાં ભીડ ભેગી ના થતી હોય એવી કોઇપણ જગાએ જો ગુજરાતી ટુરિસ્ટ પહોંચી જાય તો એને ફાવતું જ નથી. ઊલટું, એને એમ થાય છે કે ‘બોસ, અહીં આવીને આપણે મૂરખ બન્યા. જુઓને, આપણા સિવાય અહીં કોઇ આવ્યું છે?’ઇન શોર્ટ, ભીડ ઇઝ મસ્ટ.
*સામાનફોરેનના ટુરિસ્ટોને જોઇને ગુજરાતીઓ હંમેશાં નાકનાં ટીચકાં ચડાવે છે ‘ક્યાંથી આવા ને આવા હાલ્યા આવતા હશે? ચડ્ડી-બનિયાનધારી જેવા! સારાં કપડાં પહેરતાં શું થતું હશે આ ધોળિયાઓને?’આપણે તો ગોવાના દરિયામાં માત્ર બે જ કલાક નહાવા જવાના હોઇએ તો પણ ચાર જોડી ચડ્ડી અને છ જાતનાં ટી-શર્ટ સાથે લઇ જવાના! એમાંય બૈરાઓને તો પ્રવાસ વખતે બે ડઝન બ્લાઉઝ, બે ડઝન સાડીઓ, બે ડઝન ડ્રેસ અને દરેકની સાથે મેચિંગ થાય એવાં સેન્ડલ, પર્સ અને નેકલેસ-એરિંગ-બંગડીઓ વગેરે સાથે લીધા વિના ચાલે જ નહિ! (એક આખી બેગ ભરીને તો નાઇટ-ગાઉનો હોય!)બાર મોટી મોટી બેગોમાં ઠાંસીઠાંસીને સામાન પેક કરાવ્યા પછી કહેશે ‘લો, આ પ્લાસ્ટિકની ચાર ફોલ્ડિંગ બેગો તો અંદર મૂકવાની જ રહી ગઇ!’‘ફોલ્ડિં બેગો? ખાલી? શેના માટે લેવાની છે?’‘લ્યો, ત્યાં શોપિંગ નથી કરવાનું?’
*થેપલાં, ખાખરા, ભાખરવડી, ભૂસું...આપણે યુરોપની ટુરે જઈએ ત્યારે પણ, સાથે થેપલાં, ખાખરા, ભાખરવડી, ઝીણી સેવ, લીલો ચેવડો, દાળમૂઠ, ચણાની દાળ, સીંગ ભૂજિયાં, તળેલા કાજુ... આવું બધું સાથે લઇને જ જવું પડે.
કારણ શું? ‘બેઠક’માં મન્ચીંગ તો જોઇએ ને!અને એ બધું, માની લઇએ કે લંડનના લેસ્ટરમાં મળી જાય. પણ નાયગ્રા ફોલ્સની બાજુમાં તો જૂના શેરબજારવાળાની ચવાણાની દુકાન ના જ હોય ને?
*બેઠક‘સુ પછી, આજે બેસવું છે ને?’આ સંવાદ તમને દરેક ગુજરાતી ટુરિસ્ટોની પેકેજ ટુરમાં લગભગ દર બીજે દિવસે સાંભળવા મળે.
‘હા યાર, આજે તો બેઠક કરી જ લઇએ!’નિર્દોષ અને અજ્ઞાની સજ્જનોને માલમ થાય કે ગુજરાતના ટુરિસ્ટો જયારે ફરવા નીકળે છે ત્યારે એમનાં સ્વર્ગસ્થ સ્વજનોનાં બેસણામાં ‘બેસવા’ની વાતો નથી કરતા. આ તો દારૂ પીવાની ‘બેઠક’ની વાત થાય છે!ગમે એટલા રમણીય સ્થળે કેમ ના ગયા હોઇએ, રાતના બે અઢી વાગ્યા સુધી ‘બેઠક’ કરીને પીવાનું, અને બીજા દિવસે બપોરે બાર વાગ્યા સુધી હોટલના રૂમમાં જ ઊંધ્યા કરવાનું!અમદાવાદથી માઉન્ટ આબુ જનારા ગુજરાતી સહેલાણીઓ પહોંચતાંની સાથે જ ‘બેઠક વ્યવસ્થા’માં પડી જાય છે: ‘એ કલ્પા, (એટલે કલ્પેશ) તુ ને અલ્પો (એટલે અલ્પેશ) કોઇ સારી હોટલ શોધવાનું કરો, તાં લગીમાં હું ને જલ્પો (એટલે જલ્પેશ) પરમિટનું પતાઇને આઇએ છીએ!’
*ચેનલોસિંગાપોરમાં જઇએ કે સ્વિડનમાં, અને ગમે એવી મોટી ફાઇવ-સ્ટાર હોટલ કેમ ના હોય, ત્યાંના સ્વિમિંગ પૂલો નહિ જોવાના, જીમ્નેશિયમો નહિ જોવાના, પણ રૂમમાં ઘૂસીને સૌથી પહેલાં ટીવીની તમામ ચેનલો ફેરવીને ચેક કરી લેવાની!પછી તરત જ ફરિયાદ કરવાની ‘સ્ટાર ઉત્સવ નોટ કમિંગ? માય ગ્રાન્ડ મધર વોચિંગ ઓલ્ડ એપિસોડ્સ ઓફ ઘર ઘર કી કહાની, નો! એન્ડ સહારા-વન ઓલ્સો નોટ કમિંગ? ધેન હાઉ વી વોચ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વન-ડે, હેં?’
*સિન-સિનેરી પોઇન્ટદરેક ગુજરાતી ટુરિસ્ટ લકઝરી કોચમાંથી ઊતરતાંની સાથે પહેલો સવાલ આ જ પૂછે છે: ‘અહીં જોવાલાયક શું છે?’ કોચમાં એસી હોય અને બહારની ગરમી અંદર ના આવી જાય એટલા માટે તેના કાળા કાચ હંમેશાં બંધ જ રાખવાના! સો કિલોમીટરના રળિયામણા રસ્તાની મુસાફરી દરમિયાન ડોકિયું કરીને એકવાર પણ બહાર જોવાનું નહિ, પણ ઊતરતાંની સાથે જ પૂછવાનું ‘અહીં જોવાલાયક સિન-સિનેરી કેટલી છે?’વળી ગુજરાતીઓ કશું સૌંદર્ય માણવામાં માનતા જ નથી. બધું ‘પતાવી’ નાખવામાં જ માને છે! ‘આજે તો સાતે સાત ટુરિસ્ટ પોઇન્ટ પતાઇ દીધા!’
*રસોઇયો (મહારાજ)ગુજરાતની બહાર જતા ગુજજુ ટુરિસ્ટો માટે આ એક અનિવાર્ય એસેસરી છે: રસોઇયો! આપણે ઇટાલી જઇ આવીએ, સોનિયાજીના પિયરના ગામના બે ફોટા પણ ખરીદતા આવીએ પણ ત્યાંનો ઓરિજનલ પિત્ઝા નહીં ખાવાનો! તમે જો પિત્ઝાનું પૂછો તો સામું પૂછશે ‘કેમ, પિઝાનો ઢળતો મિનારો તો કાલે જ ના પતાવ્યો?’ આ રસોઇયાઓ માટે ભલભલી ફાઇવ સ્ટાર ઇન્ટરનેશનલ હોટલોનાં રસોડાઓ પણ બુક કરાવવાં પડે છે. મહારાજો જતાંની સાથે જ કીચનને ખૂણે ખૂણેથી ધોઇને સ્વચ્છ કરે છે, પછી એમાં ય બે ભાગ પાડે છે: એક તરફ જૈન અને બીજી તરફ કાંદા-લસણ!
*શોપિંગ!પેલી બાર મોટી મોટી બેગોમાં જે ચાર ફોલ્ડિંગ પ્લાસ્ટિક બેગો પેક કરેલી તે યાદ છે ને! હવે એ બેગો ભરવા માટે જ ‘સોપિંગ’ કરવાનું છે! ગુજરાતીઓ સાઇટ-સીઇંગમાં જેટલો ટાઇમ પસાર નથી કરતા એનાથી બમણો સમય શોપિંગમાં વાપરે છે. અચ્છા, બમણો સમય કેમ થાય છે? કારણ કે દરેક ખરીદી વખતે કેલ્કયુલેટરમાં ગુણાકાર કરીને વસ્તુની પ્રાઇસ રૂપિયામાં કાઢવાની, એમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરવાનું, કસ્ટમ ડયુટી ઉમેરવાની, ફ્રેઇટ ચાર્જિસ ગણવાના અને જો મોટી ખરીદી કરીએ તો સ્પેશિયલ બારગેઇનમાં તમે શું આપશો એની રકઝક કરવામાં ટાઇમ જાય કે નહિ?
*ફોટાજલ્પા આન્ટી સ્વિમિંગ પૂલમાં નહાતાં સારાં લાગે? જરાય નહિ! ગોરધનકાકા વોટર-સ્કૂટર ચલાવતાં ગભરાતા હોય એવો ફોટો સારો લાગે? જરાય નહિ! અને ચુન્ના-મુન્ના બરફમાં સ્કેટિંગ કરતાં ગબડી પડયા હોય એવા ફોટા પડાય? કદી નહિ! ફોટામાં તો આપણે કોઇના રિસેપ્શનમાં ગયા હોઇએ ત્યારે જે રીતે લાઇનસર ઊભા રહીને બન્નો હાથ, પોતપોતાના થાપા પર ગુંદર વડે ચોંટાડી રાખ્યા હોય, એ રીતે જ ફોટા પડાવવાના! પછી સગાંવહાલાંને આલ્બમ બતાડતાં કહેવાનું ‘જુઓ, આમાં પાછળ ઓલું બિલ્ડિંગ દેખાય છે ને, ત્યાં ઓલાં મીણનાં પૂતળાંનું મોટું મ્યુઝિયમ છે ને, ત્યાં તમારા ભાઇ ભૂલા પડી ગયા, તા. બોલો!’

પ્રાર્થનાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે? - Kanti Bhatt

પ્રાર્થનાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે? ઉત્તર છે: જરૂર ટળે, પ્રાર્થનાની શકિતમાં શ્રદ્ધા અને આંતરિક સાત્ત્વિકતા હોય તો.

તમારી હજાર હજાર અપેક્ષાઓમાં ઇશ્વર કઇ અપેક્ષાની પ્રાર્થના સાંભળે? માત્ર એક અબળખા લઇને જીવો અને પ્રાર્થના કરો તો રોગ પણ નહીં થાય અને થશે તો જલદી સાજા થશો.

Godશું પ્રાર્થના કે રામનામ કે કસબી ફેરવવાથી રોગ કે સંકટ ટળે? ટ્વેન્ટી-ટ્વેન્ટીની ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે શિલ્પા શેટ્ટી એની ક્રિકેટ ટીમની જીત માટે અને નીતા અંબાણી પોતાની ટીમના વિજય માટે મંત્રજાપ કરે કે પ્રાર્થના કરે તો તેમની ટીમ જીતે? રોગની બાબતમાં પ્રાર્થના કે નમાજ કે રામનામની અસર અંગે મહર્ષિ ચરકે લખ્યું છે અને મહાત્મા ગાંધીજીએ ‘હરિજનબંધુ’ના ૨૪-૩-૧૯૪૬ના અંકમાં ૬૩ વર્ષ પહેલાં લખ્યું છે કે રામનામ એક રામબાણ ઔષધ છે. હા એક શરત છે.

ઉપરની બે માનુનીએ વિજય માટે પ્રાર્થના કરતી વખતે તેમાં ઉમેરો કરવો જોઇએ કે, ‘હે ભગવાન! મારા પ્રોજેકટમાં વિજય અપાવજે અને એમાં સફળતા ન મળે તો એ નિષ્ફળતા સ્પોર્ટસમેન સ્પિરિટથી સહન કરવાની શકિત આપજે.’ રોગમુકિત માટે પ્રાર્થનાનો આશરો લેતી વખતે આ છેલ્લે બોલવું કે, ‘હે ભગવાન! રોગ સારો ન થાય તો એ રોગને સહેવાની શકિત આપજે!’ મહદ્ અંશે રોગમાં પ્રાર્થના કારગત થાય છે કે નહીં તેની વાત આપણે ચર્ચીએ.

કુદરતી ઉપચારમાં રામનામનું પણ સ્થાન છે તેવું ગાંધીજીએ લખેલું. તે પછી તે સમયના વૈધરાજ ગણેશ શાસ્ત્રીએ ગાંધીજીને કહેલું કે આ પ્રકારનું સાહિત્ય આયુર્વેદમાં છે જ. તેમાંય ઇશ્વરનામ કે રામનામનું સ્થાન પણ છે. ચરક અને વાગ્ભટ્ટે પણ આ શ્રદ્ધા વિષે લખ્યું છે. વિષ્ણુસહસ્ત્ર નામનો પણ મહિમા છે.

વિષ્ણુ સહસ્ત્રમૂર્ધાનમ્ ચરાચરપતિવિભૂમ્
સ્તુવન નામ સહસ્ત્રેણ જવરાન સર્વાન વ્યપોહતિ


અર્થાત્ ચરાચરના સ્વામી એવા વિષ્ણુના હજાર નામમાંથી એક નામનો જપ કરવાથી સર્વ રોગ સારા થાય છે. ૨૧મી સદીમાં આ વાત પર શ્રદ્ધા રાખનારા કેટલા? નીતા, મીતા, રીટા, ગીતા કે કોઇપણ બહેને પ્રાર્થના પછી ધાર્યું પરિણામ ન મળે તો તેની પ્રાર્થના ફોગટ ગઇ છે તેમ માનવું? શ્રદ્ધા હોય તો એમ માની શકાય કે એ પ્રાર્થના ઇશ્વર પાસે રજિસ્ટર થઇ છે. તમારે સફળતા માટે ધીરજ ધરવી પડશે. રોગની બાબતમાં પણ આ લાગુ પડે છે. રાજકારણમાં અને હાલમાં થયેલી લોકસભાની ચૂંટણી પહેલા કેટલાય ઉમેદવારો બદરીનાથ-કેદારનાથ ગયેલા. મુંબઇના ભાજપનેતા ગજાનન કીર્તિકર અને બીજાએ લાલકૃષ્ણ અડવાણીના પ્રધાનપદ માટે મુંબઇમાં દાદરના સિદ્ધિવિનાયકની પૂજા કરેલી.

ઘણાએ એકેશ્વરી દેવીના મંદિર કે મદુરાઇના મીનાક્ષી મંદિરમાં દેવતાઓની પૂજા કરેલી. બાલા નાંદગાવકર નામના ઉમેદવારની પત્નીએ તેના પતિ જીતે નહીં ત્યાં સુધી પગમાં સ્લીપર ન પહેરવાની બાધા લીધેલી. આ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા પ્રત્યે કોઇ જ વિરોધ નથી પરંતુ જેમ યજ્ઞ કરીને ‘ન ઇદમ મમ્’ (આ હું જે કાંઇ કરું છું તે મારું નથી. ઇશ્વર! એ તમારું જ છે અને તે તમને અર્પણ છે) બોલાય છે તેમ વિજય કે સિદ્ધિ ન મળે તો એ પરાજયને પચાવવાની તાકાત માટેની પણ પ્રાર્થના બનવી જોઇએ. કેન્સર કે બીજા અસાઘ્ય વ્યાધિમાં ઉપચાર સાથે ઇશ્વર ઉપરની શ્રદ્ધા કે પ્રાર્થનાના બળની ચર્ચા હવે આપણે કરીએ.

તમે અમેરિકા જાઓ તો કેલિફોર્નિયામાં માલીબુ નામના બીચરિસોર્ટ ગણાતા દરિયાઇ શહેરમાં જરૂર જ. ત્યાં એમ. ડી. થયેલા ડો. ઓ. કાર્લ સિમોનટોનનું ઓલ્ટરનેટિવ હીલિંગ(વૈકિલ્પક ચિકિત્સા) માટેનું ધ સિમોનટોન કેન્સર સેન્ટર છે. અહીં હજારો કેન્સરના દર્દી કાં સંપૂર્ણ સારા થયા છે અથવા રાહત મેળવીને પાછા ફરે છે. આ ડોકટરને મહાન પદાર્થ વિજ્ઞાની ડો. ફ્રિફ કાપ્રા મળ્યા હતા. તેમણે એક સુંદર સત્ય કહ્યું હતું: When you are depressed the whole body is depressed and it translates to the cellular level.. અર્થાત્ જયારે તમે ઘોર નિરાશામાં હો છો ત્યારે આખા શરીરની સિસ્ટમ હતાશાથી નબળી પડે છે. તમારી હતાશા તમારા કોષેકોષમાં પ્રસરી વળે છે.

એટલે ડો. સિમોનટોન કહે છે કે બીમારીમાં કે નિષ્ફળતામાં સૌથી મહત્ત્વનું એ છે કે આશાવંત રહો. તમે રમતિયાળ બનો. હોપલેસનેસથી દૂર રહો. એવું વલણ રાખશો તો વૈકિલ્પક ચિકિત્સા કે ઔષધ જલદી કામ કરશે. ભારતમાં તેમનું ૨૫૩ રૂપિયાનું પુસ્તક ‘ગેટિંગ વેલ અગેન’ દિલ્હીમાં મળે છે. તે વાંચશો તો લાગશે કે તમને બીમારીને સારી કરવાની સુવર્ણચાવી મળી ગઇ. તે પુસ્તકનું સૂત્ર છે કે જયારે જીવનમાં અનિશ્વિતતા આવે ત્યારે પ્રાર્થના કરવાથી અને આશા રાખવાથી તમે કંઇ જ ગુમાવતા નથી. સૌથી મહત્ત્વની વાત ડો. સિમોનટોને કહેલી તે આપણે બધાએ જાણવા જેવી છે.

તેમણે કહેલું કે ઇશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે પણ એ તમારી કેટકેટલી પ્રાર્થનાઓ સાંભળે? તમારી અપેક્ષાઓને સીમા હોવી ઇએ કે નહીં? સૌપ્રથમ તો આ ૨૧મી સદી ‘ઇન્ફોર્મેશન ઓવરલોડેડ’ છે. તમે વાપરી ન શકો તેટલી, ગણી ગણાય નહીં એટલી માહિતી ઇન્ટરનેટમાંથી કે ચારેકોરથી તમને મળે છે. તમે અનેક ધંધા કરો છો.

તમારી પ્રેમપાત્ર વ્યકિત એક નહીં, અનેક છે. તમારો પતિ તેના ભાઇ સાથે કંકાસ કરે તેમાં જીતે, ક્રિકેટમાં જીતે, રિફાઇનિંગમાં જીતે, સમુદ્રમાં તેલ શોધવામાં જીતે, દિલ્હીમાં સરકાર સાથેની વગમાં જીતે એવી હજાર હજાર અપેક્ષાઓમાં ઇશ્વર તમારી કઇ અપેક્ષાની પ્રાર્થના સાંભળે? માત્ર એક અબળખા લઇને જીવો અને પ્રાર્થના કરો તો રોગ પણ નહીં થાય અને થશે તો જલદી સાજા થશો.

ઉપરની ડો. સિમોનટોનની વાતને ‘ફ્યુચર શોક’ નામના વિદ્વતાભરેલા અને આજની મંદીની ૧૯૭૦માં આગાહી કરનારા એલ્વિન ટોફલરે પુરસ્કૃત કરી હતી. તેમણે ‘ફ્યુચર શોક’માં બહુ સરસ વાત કરી છે. આપણી વાસના, ધનની ભૂખ, કારકિર્દીની સફળતા એ તમામ માટેની દોડને જાણે કોઇ સીમા નથી. તમારે સાંજ પડયે વિવિધ પ્રકારના નિર્ણય લેવા પડે છે. તમને ઝડપથી જોઇએ છે. યુ કેન સ્પીડ અપ ધ કંપનીઝ, યુ કેન સ્પીડ અપ ધ મશીન્સ, યુ કેન સ્પીડ અપ યોર વર્કર્સ. આ બધાને તમે પૂંછડાં મરડીને કે ચાબુક મારીને હાંકી શકો પણ ભાવિ એટલું ઝડપથી આવે છે કે ટેકરી ઉપર તમે તમારા આંગળાભેર ટીંગાઇ રહો તેવી હાલત થાય છે. તમે પ્રાર્થનારૂપ પૂંછડું મરડીને તમારી અનેકવિધ ઇરછા માટે ઇશ્વરને કનડી શકો નહીં.

તમારી સફળતા કે નિષ્ફળતા તમારી પર્સનાલિટી ઉપર આધાર રાખે છે. ડો. ફ્રિફ કાપ્રાએ ૧૯-૯-૦૪ના લંડનના અખબાર ‘ગાર્ડિયન’ના ઇન્ટવ્યુંમાં કહેલું, ‘જીવનમાં હંમેશાં ટિર્નંગ પોઇન્ટ આવે જ છે. તે માટે તમારે ધીરજ રાખવી ઇએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે You have to surrender to the moment. ઇશ્વરે આ પળે તમને જે રિણામ આપ્યું હોય કે તમારી સામે સારી કે નરસી પળે સંયોગો આપ્યા હોય તેને પચાવતા અને તે પળને ઇશ્વરની આજ્ઞા માનીને તેને તાબે થતાં શીખવું ઇએ. તમારા મનને ‘પેનિક’ (ભયગ્રસ્તતા) માં રાખવું ન ઇએ. આવું કરો તો પણ પ્રાર્થનાનું બળ વધુ ચોટડુક બને છે.’ આ પ્રકારે દરેક ક્ષણને સરન્ડર કરતાં આવડશે તો બીમારી પણ સારી થઇ જશે. ડો. કાર્લ સિમોનટોને તેનાં કેન્સર સેન્ટરમાં કેટલાય સફળ ઉધોગપતિઓનાં કેન્સર સારાં કર્યા છે.

તેમનાં વલણ અને સફળતા-નિષ્ફળતા પ્રત્યેના અભિગમને તંદુરસ્ત બનાવ્યો છે. ડોકટર એના દર્દીને કહેતા: હું અહીં તમારો રોગ નહીં પણ તમારી કવોલિટી ઓફ લાઇફ એન્ડ કવોલિટી ઓફ ડેથને સુધારવા માગું છું. હા તમારે મૃત્યુની અનિવાર્યતા પણ સ્વીકારવી પડે. એ નહીં સ્વીકારો તો તમે જીવનને પણ નકારશો.

લંડનની બ્રુનેલ યુનિવર્સિટીમાં ડો. ફ્રિફ કાપ્રાએ મે ૧૯૭૪માં એક વૈદકીય કોન્ફરન્સ બોલાવી. તેમાં હ્યુમન પોટેન્શિયલની ચર્ચા થયેલી. હેલ્થ અને હીલિંગમાં દર્દી-ડોકટરે કેવો નવો અભિગમ લેવો તેની ચર્ચા યુરોપ અને ઉત્તર અમેરિકાના ૫૦ જેટલા વિદ્વાન ડોકટરોએ કરેલી. તેમાં માઇન્ડ એન્ડ બોડીના કનેકશનની પણ ચર્ચા થયેલી. આ કનેકશનમાં પ્રાર્થના જબ્બર કામ કરે છે, તેવું વિદ્વાનોએ કબૂલ કરેલું. તે પરિષદમાં ડો. શ્રીમતી માર્ગરેટ લોકે ભાગ લીધેલો. ડો. માર્ગરેટે એમ.ડી.ની ડીગ્રી લીધી પણ તેણે વૈકિલ્પક ચિકિત્સા અને હોલીસ્ટિક હેલ્થ એટલે કે શરીરને મંદિર માનીને એ શરીરને પવિત્ર રાખવાની માનવીની ફરજ વિષે ચીની સાહિત્ય ખૂબ વાંચેલું.

ડો. ફ્રિફ કાપ્રાને પ્રાર્થનાબળ અને સ્પિરિરયુઆલિટીથી રોગને સારા કરવાની વાતની ધૂન લાગેલી. તે ડો. સ્ટાન ગ્રોફને મળ્યા. આ ડોકટરે તેમને પ્રાણાયામ અને બીજી કુદરતી ઉપચારની પદ્ધતિ શીખવી સાથે કહ્યું કે ટ્રીટમેન્ટ દરમિયાન તમારી બુદ્ધિને થોડીવાર હોલીડે આપ. તમારી તમામ લાગણીનાં દ્વાર એક અદ્રશ્ય બળના પ્રવેશ માટે ખોલ. સાથે તેમણે બીથોવન સિમ્ફની અને વેગનરના ઓપેરાની મનને શાંતિ આપનારા મ્યુઝિકની કેસેટો સંભળાવી. ઉપરાંત વેદના કેટલાક શ્લોક સંભળાવ્યા. સંસ્કૃતના શ્લોકો સાથે ભજનો સંભળાવ્યાં. આ બધા થકી પણ રોગ સારા થયા છે.

મેડિટેશન પણ એક પ્રાર્થના જ છે. પ્રાર્થનાનું બળ મોટું છે તે અમને મહુવામાં જયારે દુષ્કાળ પડે ત્યારે કે માલણ નદીમાં મોટાં પૂર આવે ત્યારે શ્રદ્ધાળુ લોકો દ્વારા વા મળતું. શુદ્ધ શબ્દ આર્તનાદ છે પણ અમારો કાઠિયાવાડી શબ્દ આરદા છે. દુષ્કાળમાં વરસાદ પડે તે માટેની આરદા અને નૃસિંહજીના મંદિરમાં અખંડ કૃષ્ણધૂન દ્વારા કરતા. જામનગર-પોરબંદરથી માંડીને આવી જ આરદા તમે આર.કે. નારાયણની વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘ગાઇડ’માં એક ગામના મંદિરમાં ઇ છે. દેવ આનંદે મને-કમને ઉપવાસ કરવા પડે છે. રામધૂન કે કૃષ્ણધૂન ગવાતાની સાથે વરસાદ આવે છે. માલણ નદીમાં ભજન ગાતાં ગાતાં નદીમાં શ્રીફળ ચૂંદડી પધરાવાય એટલે નદીનાં પૂર ઊતરી જ જાય તેવી શ્રદ્ધા હતી.

કિશોરવયે અમે યેલું પણ ખરું કે માતાજીની ચૂંદડી પધરાવતા નદીનાં પૂર તુરંત ઓસરતાં! ૧૯૬૫માં હું જે. કૃષ્ણમૂર્તિને વાંચતો. વિનોબાનો ‘શિષ્ય’ હતો. કેદારનાથજીના વિચારો વંચાવેલા પણ છતાં મારા કાકાના પુત્રને પાસપોર્ટ મળતો નહોતો ત્યારે મેં કુળદેવી ભવાની માતાની માનતા માની ઉપવાસ કર્યો. તમને કદાચ વિચિત્ર લાગશે પણ બે જ દિવસમાં એને પાસપોર્ટ મળી ગયો! આ માત્ર યોગાનુયોગ હશે પણ આવું આપણે ભારતીય સંસ્કાર થકી કરીએ જ છીએ. મેડમ રૂથ ગ્લેડ હીલ લંડન ટાઇમ્સમાં આઘ્યાત્મિક કટાર લખે છે. તેણે ૨૧/૨/૦૧ ના રોજ લખેલું કે ‘Loss of faith is a danger to us all...’ તમે શ્રદ્ધા ખોઇ બેસશો તો તમે આખી દુનિયાને માઠી અસર પહોંચાડશો. શ્રદ્ધા સામૂહિક બને ત્યારે વધુ બળૂકી બને છે.

લંડનના ‘સન-ડે ટેલીગ્રાફ’માં હેલ્થની કટાર ચાલે છે. તેમાં ડો. જેમ્સ લે ફાનુ વાચકોના પ્રશ્નોના જવાબ પણ આપે છે. એક વાચકે પૂછ્યું કે મારા કાનમાં સતત કોઇ વ્હીસલ મારતું હોય તેવા અવાજ રાતદિવસ આવે છે. અવાજના આ સણકાથી હું ત્રાસી ગયો છું. ઊંઘ આવતી નથી. મારે શું કરવું? ખરેખર તો ડો. જેમ્સ ફાનુ એલોપથિક ડોકટર છે પણ તેણે વાચકના પ્રશ્નનો આ રીતે જવાબ આપ્યો: ‘કાનમાં સણકા આવે કે અવાજ આવે તેનાં ઘણાં કારણો હોય છે, જેમાંના અમુક માનસિક પણ હોય... વાચકમિત્ર, તમારા જેવી જ ફરિયાદ ૨૫૦૯ વર્ષ પહેલાં મહાન ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલને હતી. તેણે સાંભળેલું કે Buzzing in the ears ceases when a greater sound (ઇશ્વરની શ્રદ્ધા)drives out the less. એરિસ્ટોટલે આ લોજિકનો શ્રદ્ધાપૂર્વક ઉપયોગ કર્યો. તે જમાનામાં એક સેલ્ટીક પંથનાં સંત સ્પર્શ અને પ્રાર્થનાથી રોગ સારા કરતા. તેથી લોકો સ્ટીવાલ નામના ગામે જતા.

સંત વિવિધ બીમારી સ્પર્શથી અને પ્રાર્થનાથી સારી કરતા પણ જેના કાનમાં સણકા આવે કે વિચિત્ર અવાજ આવે તેના કાન ઉપર ચર્ચનો મોટો ઘંટ મૂકતા અને રથી વગાડતા... અને કાનના સણકા ચાલ્યા જતા! એરિસ્ટોટલે zindagi zidgi આ ઉપાય અજમાવેલો. આ બતાવે છે કે શ્રદ્ધાના અને પ્રાર્થનાના બળનો ઉપયોગ એરિસ્ટોટલે પણ લેવો પડયો હતો!’

સંવેદનાનો અતિરેક - Krushnakant Unadkat

સંવેદનાનો અતિરેક
Krushnakant Unadkat


તેરી પાબંદિયો સે રુક નહીં સકતી યે ફરિયાદે, અગર હમ ચૂપ રહે તો જખ્મ સારે બોલ પડતે હૈ.‘ મંજર ભોપાલી

સંવેદના એટલે દરેક લાગણીઓને ઉત્કટતાપૂર્વક જીવવાની અને માણવાની કળા. સંવેદના દરેક માણસના નસીબમાં નથી હોતી. કેટલાંક લોકો પથ્થર જેવા હોય છે. આવા લોકો પર સંવેદનાની કોઇ અસર થતી નથી. દરેક પથ્થરમાંથી પ્રતિમા ન બને. અસંવેદનશીલ માણસ પર સંવેદના રાખવી એટલે પથ્થર પર પાણી ઢોળવું. જે માણસ સમજી ન શકે તેની સાથે સંવેદનાનું પ્રદર્શન ન કરવું. આમ પણ સંવેદનાના દર્શન હોય, પ્રદર્શન નહીં.

સંવેદનશીલ હોવું એ સારી વાત છે પણ સંવેદનાનો અતિરેક સારો નહીં. દરેક ગુણ એની મર્યાદામાં જ શોભે. નદી એનો કિનારો છોડે તો ખાનાખરાબી સર્જે છે. હવાને મસ્તી ચડે તો આંધી ફૂંકાય છે. પ્રકાશ દીવાથી જ આવે, આગથી નહીં. સંવેદનાનું પણ પ્રમાણભાન જળવાવું જોઇએ. માત્ર સંવેદનાથી જિંદગી જીવાતી નથી. તમારા જીવનમાં, તમારા કામમાં અને તમારા ઘ્યેયમાં તમારી સંવેદના પ્રેરણારૂપ બનવી જોઇએ.

એક સરસ મજાની ઉકિત છે. તું એટલો કડવો ન થજે કે જગત તને થૂંકી નાખે, તું એટલો મીઠો પણ ન થજે કે જગત તને ચાવી જાય. કોઇ મસળી નાખે એટલી ઋજુતા ઘણીવખત જીવલેણ બને છે. આપણે સંવેદનશીલ હોઇએ એટલે જરૂરી નથી કે આપણી સાથેના લોકો પણ એટલા જ સંવેદનશીલ હોય.

ઘણી વખત સંવેદનશીલ લોકો પોતાની વ્યકિત પાસેથી એવી જ અપેક્ષા રાખતાં હોય છે કે તેણે પણ અત્યંત સંવેદનાપૂર્વક વર્તવું. સંબંધોમાં માણસ હંમેશાં એવું ઇરછે કે તેની દરેક વાતનો અને દરેક વર્તનનો પોઝિટિવ પડઘો પડે. જો કે દરેક વખતે એવું થતું નથી. દરેક વખતે આપણાં ધાર્યા મુજબનો જ રિસ્પોન્સ મળે એવું જરૂરી નથી.

આપણો મૂડ હોય એવો જ મૂડ સામા માણસનો હોય એ પણ જરૂરી નથી. ઘણીવખત સારો માણસ પણ તેના અંગત સંજોગોના કારણે ખરાબ વર્તન કરી બેસે છે. સંવેદનશીલ માણસોને આવી ઘટનાઓ વખતે આકરી ઠેસ પહોંચે છે. સામેનો માણસ આપણી ધારણાથી જુદું કે વિચિત્ર વર્તન કરે ત્યારે તેની મેન્ટલ કન્ડિશન અને તેણે આવું શા માટે કર્યું એ પણ શાંતિથી વિચારવું જોઇએ. ગમે એવો ડાહ્યો માણસ પણ ભૂલ કરી શકે છે. એ ભૂલ સમજવાની અને સ્વીકારવાની તૈયારી રાખવી જોઇએ.

માણસમાં સામેની વ્યકિતનું વર્તન માપવાની આવડત પણ હોવી જોઇએ. આપણે ઘણીવખત આપણા મૂડને જ ઘ્યાનમાં રાખીએ છીએ. ઓફિસેથી બોસની ડાંટ ખાઇને આવેલા પતિની રાહ જોઇને બેઠેલી પત્નીએ આવતાવેંત બહાર જવાની વાત કરી. એ સાથે જ પતિ તાડૂકયો. તને બસ તારી જ પડી છે. તારું ધાર્યું જ કરવું છે અને મારી પાસે કરાવવું છે. અને લાંબો ઝઘડો ચાલ્યો.

મોટા ભાગે એવું થતું હોય છે કે કોઇનો ઇરાદો ખરાબ નથી હોતો, કોઇને ઝઘડવું હોતું નથી, પણ માણસ અજાણતાં જ ખરાબ વર્તન કરી બેસે છે. આવા સમયે પોતાની વ્યકિતને ઓળખવી અને સાચવવી એ પણ સંવેદનાનો જ એક ભાગ છે. મોટાભાગના સંબંધો અત્યંત ક્ષુલ્લક કારણોસર તૂટે છે. તકલીફ ત્યારે થાય છે કે માણસ કયારેય પોતાની ભૂલ સમજતો જ નથી, અને સામેવાળાની ભૂલને પણ સમજતો નથી. દરેક ભૂલની સજા ન હોય, ઘણી ભૂલો સુધારવા પ્રેમની પણ જરૂર પડે છે.

પતિ-પત્નીના ઝઘડા બાદ પત્નીએ કહ્યું કે, સોરી મને ખબર ન હતી કે તું ડિસ્ર્ટબ છે, તારી સાથે શું વિત્યું છે, તને વધુ ડિસ્ર્ટબ કરવાનો મારો ઇરાદો ન હતો. પત્નીની વાત સાંભળીને પતિએ પણ કહ્યું કે, મારું તારી સાથેનું વર્તન બરોબર ન હતું. આઇ એમ સોરી, હું તારી સાથે કારણ વગર ખરાબ વર્તન કરી બેઠો. અલબત્ત, આપણામાં આટલી સહજતા જ હોતી નથી.

મોટાભાગે માણસ એવું વિચારે છે કે, મારે જ એના મૂડનું ઘ્યાન રાખવાનું? મારા મૂડનું કંઇ નહીં? આપણી સંવેદના આપણા ઉપર જ હાવિ ન થઇ જાય તેનું પણ ઘ્યાન રાખવું પડે છે. સંવેદનશીલ રહો પણ એટલા બધા પણ સંવેદનશીલ ન થાવ કે સામાવાળાની વેદના પણ ન જોઇ શકો. માત્ર સંવેદનશીલ નહીં, વ્યવહારુ પણ બનવું પડે છે. આપણી સંવેદનાના ભાર નીચે આપણે જ ન દબાઇ જઇએ તેનું ઘ્યાન રાખવું જોઇએ. આપણી સંવેદના કોઇને હળવા બનાવવા હોવી જોઇએ. સંવેદનાનો દુરાગ્રહ બીજાને તો હળવા નહીં બનાવે, પોતાની જાતને પણ ભારે બનાવી દેશે. તમારી સંવેદના કોઇના માટે ગૂંગળામણ ન બની જાય તેનો ખ્યાલ રાખજો. ‘

છેલ્લો સીન

સિંહને પણ માખીઓથી પોતાની રક્ષા કરવી પડે છે. ‘જર્મન કહેવત,

ઘાવ: આપોઆપ રૂઝાય - Kanti Bhatt

ઘાવ : અંદરના કે બહારના દવા વગર પણ આપોઆપ રૂઝાય

Kanti Bhatt

માનવીના સર્વ દર્દનો કે ઘાવનો ઈલાજ કુદરતી રીતે થાય છે. ઘાવનું જ્ઞાન જ સર્વોપરી છે. ઘાના પોતાની મેળ રૂઝાવવાની પ્રક્રિયાને જાણી લો. ઘાવ સાથે જીવો તો અને ઘાના રૂઝની પોતાની પ્રક્રિયાને ચાબુક મારીને જલદી સુધારવાને બદલે તેને સમજો. આટલું સમજાઈ જાય તો તબીબી જ્ઞાનનું આ રૂઝનું સાયન્સ સમજાઈ જશે.

kanti bhatt

સમય એક વૈદ છે
સમય તો દૈત્ય પણ છે
સમયને સાચવી લો તો
સમય તમને સાચવી લેશે
સમય ઘાવ પાડે છે ને
સમય ઘાવ રૂઝાવે છે
આકળા થયા તો મરી ગયા
સમયને સાચવ્યો તો જીવી ગયા
-તાકિની ઈર્શાદ મનજી (ઈરાની કવયિત્રી)

એક ડચ કહેવત છે કે બીમારી ઘોડે ચઢીને ધડામ દઈ આવી પડે છે પણ પછી એ બીમારી પગે ચાલીને જ તેની મંદ ગતિએ જાય છે, એટલે માનવીએ બીમારીથી ગભરાઈ ન જવું, કુદરતને તેનું કામ કરવા દેવું. મહાન ફ્રેંચ ફિલસૂફ મોન્ટેન એકાંતમાં ટાવરમાં બેસીને સતત લખતા. તેને કોઈએ કહ્યું કે તબિયતનું ઘ્યાન રાખો તો કહે કે ‘લખવામાં તબિયતનું ઘ્યાન ન રહે તો કંઈ નહીં. કુદરત તેનું કામ કરશે. net us little permit nature to take her own way she better understands, her own affair than we. મોન્ટેને તો પોતાના જ જીવનનાં સુખદુ:ખની વાત કરી હતી પણ આજે મારે અમેરિકાના મહાન આરોગ્યશાસ્ત્રી ડો. એન્ડ્રુ વીલની તનમનનાં આરોગ્ય અંગેની ઠોસ વાત કરવી છે.

ડો. એન્ડ્રુ વીલ એલોપથીના એમ. ડી. ડોકટર હતા પણ તેનો એલોપથી ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો. તે નિસર્ગોપચારક બની ગયા છે. તેને જુઓ તો રવીન્દ્રનાથ ટાગોર યાદ આવે. તેમણે ‘હેલ્થ એન્ડ હિલિંગ’’ નામનું પુસ્તક લખ્યું છે. તેનો સાર એ જ છે કે ઘાવ કે બીમારી એ અંદરનાં હોય કે બહારનાં પણ તે દવા વગર આપોઆપ સમયાંતરે મટી જાય છે. ‘ટાઈમ’ મેગેઝિને ૧૯૮૪માં ડો. એન્ડ્રુ વીલ વિશે આવરણ કથા છાપેલી.

આરોગ્યશાસ્ત્રના આ ભડ અમેરિકનના જીવન વિશે પછી વાત કરીશું. તેના આરોગ્ય અને બીમારી વિશેના ક્રાંતિકારી વિચારો જાણવા જેવા છે પણ તમને તેની પ્રાકતિક ચિકિત્સા અગર તો કુદરત મોટો વૈદ છે તે વાતમાં શ્રદ્ધા બેસવી જોઈએ. કેન્સર-હોસ્પિટલમાંથી જેમને હોપલેસ કેસ કહીને રજા દેવાઈ અને કહેવાયું કે તમે ૧૦ દિવસથી વધુ નહીં જીવો તેવા લોકોને ગાજરનો રસ અને મૂત્ર ચિકિત્સાથી આ ડોકટરે સારા કર્યા છે, જેને જીવવાની ખ્વાહિશ છે તેને રોગ મારી નહીં શકે. સમય ત્યારે જ આપોઆપ બીમારી સારી કરે છે જયારે જયારે તમે સમયને મોકો આપવા સાથે જીવનમાં સાત્ત્વિક આહાર લો. સમગ્ર જીવનમાં પરિવર્તન લાવો તો રોગ આપોઆપ સારો થશે.

અમેરિકામાં આજે એલોપથીને ઠેબે મારીને વૈકિલ્પક ચિકિત્સાની બોલબાલા છે. શું કામ એમ. ડી. થયેલા ડો. એન્ડ્રુ વીલ નિસર્ગોપચારને આશરે આવ્યા? એલોપથી જ નહીં, આજે આયુર્વેદના વૈદો મોંઘા બન્યા છે. વૈદો કરોડપતિ થવા માંડયા છે. માંદા પડો એટલે મહિને રૂ. ૧૦૦૦નો ખર્ચ વધે છે, તેમાંથી બચવાનો ડો. એન્ડ્રુ વીલ રસ્તો બતાવે છે. ૨૬ વર્ષ પહેલાં રોજના એ સમયના રૂ. ૧ લાખ કમાતા ડો. એન્ડ્રુ વીલને પોતાને હૃદયરોગનો હુમલો આવ્યો. એલોપથીની કોઈ પણ ટ્રીટમેન્ટ તેને કામ ન લાગી ત્યારે તેણે નિસર્ગોપચારનાં પુસ્તકો વાંરયા. જગતનો રોગના ઉપચારોનો ઈતિહાસ વાંરયો. તેણે જોયું કે માણસ બીમાર પડે ત્યારે સ્વાભાવિક બનીને ખાવાપીવાનું તદ્દન ઓછું કરી નાખે અને કુદરત સાથે જીવે તો આપોઆપ રોગ સારો થાય છે. સમય તમને સારા કરે છે.

વહાલી વ્યકિત કે જેને તમે ખૂબ પ્રેમ કર્યોહોય તેને અમુક નાની મોટી વાતમાં તડફડ કરીને છોડી દેવાને બદલે સંસારમાં થોડાક ઘાવ સહન કરી લો તો કાળક્રમે વિસંવાદિતાના ઘા રૂઝાઈ જાય છે. જે રીતે શરીર તમારું મૂલ્યવાન સંપત્તિ છે એ શરીરને તમારે પૈસા, અને માત્ર પૈસાના જ સગાં બનેલા વૈધ-ડોકટરોને શું કામ હવાલે કરવું જોઈએ ? માનવ જન્મ્યો ત્યારથી તે તેના શરીરના ઘાને સહન કરતો આવ્યો છે. દરેક પ્રાણી પણ. કૂતરો ઘાને ચાટે છે. પશુ-પક્ષી ઘાને ચાટે છે પણ માનવ કહેવાતો સિવિલાઈઝડ બન્યો ત્યારથી ઘાને ઈલાસ્ટોપ્લાસ્ટથી બાંધી દે છે.

જગતમાં લેખનની કળા અને લેખનની સગવડ થઈ ત્યારથી ઘાને કેમ રૂઝવવો તેને લગતાં કુદરતી ઉપચાર વિશે વિદ્વાનો લખતા આવ્યા છે. અમેરિકન લોકો પ્રાચીનકાળમાં પોતાના ઘાવને બિયરથી ધોતા. ૪૦૦૦ વર્ષ પહેલાના કેટલાક ઊડે દાટેલા માટીના ટુકડામાંથી જોવા મળ્યું કે ઘા પર દારૂ રેડીને લોકો ઘા સારા કરતા હતા. હડકાયું કૂતરું કરડે તો ત્રાંબાનો સિક્કો અને સુકા મરચાંની ભૂકી ઘામાં ભરતા. ઈજિપ્તના પુરાણા હકીમો ઘા પર તાજું માંસ મૂકતા. આપણી દાદીમાં હળદર-ઘઉના લોટની પોટીસ મૂકતી. કેટલાક લોકો ઘા પર છાણ ઘસતા. એ પછી માનવીને થયું કે આ ગાયનાં છાણ-મૂતર ઘસવાને બદલે માણસ પોતે જ પોતાનું મૂત્ર પીએ ત્યારે મૂત્ર ચિકિત્સા શરૂ થઈ. ઈજિપ્તમાં ઘણા ઘા પર મધ લગાવતા હતા. સાકરને બાળીને લગાવતા. મધ થકી બેકેટરિયા મરી જાય છે. સાચું મધ હોવું જોઈએ.

વિનોબા ભાવેને પેટમાં અલ્સર (ચાદું) થયું ત્યારે તેણે કોઈ એલોપથીક દવા લીધી નહીં. તેઓ બસ બધો જ ખોરાક છોડીને દહીંમાં મધ નાખીને ભૂખ લાગે તો ખાતા. જે જે લોકો અલ્સર માટે કે એસિડિટી માટે એલોપથીક દવા લે છે તેને બકરું કાઢતાં ઊટ પેસે છે. અનેક આડઅસરો એની એલોપથીક દવા પેદા કરે છે. ડો. એન્ડ્રુ વીલ કહે છે કે જૂના જમાનાના એ બાહ્ય ઉપચાર (બિયર મધ કે બીજી બાહ્ય ઉપચારની ચેષ્ટા) ઘા મટાડતા નથી. ઔષધો તો માનવીના મનને મનાવવા અગર કહો કે ‘છેતરવા’ માટેનાં ઉપકરણો છે. એ ઉપકરણો થકી જગતમાં ૧૦૦૦ અબજ ડોલરનો તબીબી ઉધોગ ચાલે છે. આજે તમારી બીમારીમાંથી ડોકટરો-વૈધો નવા અબજપતિ બન્યા છે. સરસ્વતીચંદ્રની નવલકથામાં હીરો જંગલમાં જાય છે ત્યાં તેને ઘાવ પડે છે. તેણે ઘાબાજરિયું નામના છોડનો રસ આપોઆપ સરસ્વતીચંદ્રને પગે ઘસાયો તો ઘા સારો થયો. તેણે તેની પ્રેમિકાનાં વિરહને સમય થકી સહન કર્યોડો. એન્ડ્રુ વીલે જે અંગ્રેજીમાં વાકય લખ્યું છે તે વાંચવા જેવું છે.

Wound healing is a model for healing other ailments in general. Becoming familiar with it and that the ailment goes automatically is an important piece of medical self knowledge. આ ૨૬ વર્ષ પહેલાં કહેલી વાત છે. આજે તમારે પરસેવાની કમાણી પૈસા ખાઉ ડોકટરોને ન લૂંટાવવી હોય તો તમારે જ તમારા ડોકટર થવું પડશે. એ પ્રકારે સંસારમાં કે તમારા લગ્નજીવનમાં કે પ્રેમજીવનમાં પછડાટ ખાઓ ત્યારે કપા કરીને કોઈ બીજા પાસે તમારી બળતરા કાઢશો નહીં. બીજા લોકો સાંભળીને પછી તમારી જ કૂથલી કરશે. તમારા અંગત પ્રેમના પછડાટની પ્રેમી પાત્ર સાથે જ ચર્ચા કરો. સમયને પસાર થવા દો. સંબંધ સુધરશે અગર તો એ બેવફાઈના ઘાવને સહન કરવાની અદ્ભુત કુદરતી શકિત મળશે.

ઉપરના અંગ્રેજી વાકયમાં ડો. એન્ડ્રુ વીલ કહે છે કે માનવીના સર્વ દર્દનો કે ઘાવનો ઈલાજ કુદરતી રીતે થાય છે. ઘાવનું જ્ઞાન જ સર્વોપરી છે. ઘાના પોતાની મેળ રૂઝાવવાની પ્રક્રિયાને જાણી લો. ઘાવ સાથે જીવો તો અને ઘાના રૂઝની પોતાની પ્રક્રિયાને ચાબુક મારીને જલદી સુધારવાને બદલે તેને સમજો. આટલું સમજાઈ જાય તો તબીબી જ્ઞાનનું આ રૂઝનું સાયન્સ સમજાઈ જશે. ચામડી પરનો વાઢ નજીવો હોય તો તમે અનુભવ્યું હશે આપોઆપ રૂઝાઈ જાય છે.પેટનું ઓપરેશન કર્યું હોય તો અંદરનો ઘા રૂઝાતાં વાર લાગે છે.

હાડકું તૂટયું હોય તો આપમેળે સંધાતા ઔર વાર લાગે છે. સિગારેટ પી પીને ફેફસાં કે લોહી ખરાબ કર્યાં હોય કે દારૂ પી પીને લીવર ખરાબ કર્યું હોય પછી તેને છોડી દો અને આરોગ્યમય રીતે જીવો તો બગડેલાં ફેફસાં કે બગડેલું લોહી કે લીવર કાળક્રમે સારાં થાય જ. હાયવોય કરનારા અને બીમાર પડયા પછી ખા ખા કરીને અને ચીઢિયો સ્વાભાવ કરીને, એક પછી એક ડોકટરને પકડે છે. પૈસા બગાડે છે. ખરા વિલન તમે છો. તમારે પોતે જ શરીરની બાબતમાં હીરો બનવાનું છે.

ડો. એન્ડ્રુ વીલ કહે છે કે સાજા થવાની ક્રિયા એ માત્ર શરીરની જ નથી. આપોઆપ સાજા થવામાં શરીર સાથે મન પણ તમારો પોતાના મોટો ડોકટર બને છે. ડો. વીલ કહે છે.

‘રિમેમ્બર-વી આર માઈન્ડબોડિઝ સો ધેટ હિલિંગ લાઈક હેલ્થ એન્ડ ઈલનેસ મસ્ટ ઓલ્સો બી સાયકોલોજિકલ.’ આપણે માત્ર સ્થૂળ શરીર જ નથી. આપણે તો મન, મન અને મનથી જ બનેલા છીએ. એટલે બીમારી સારી કરવામાં કે બીમારી લાવવામાં માનસકિ કારણો હોય છે. એ કારણો બીજા ડોકટરો કરતાં તમે વધુ સમજી શકો છો પણ તમારે એ બોજ લેવો નથી. એક જમાનો હતો કે ડોકટરો પાસે સાંજ પડયે રોગચાળો ન હોય ત્યારે બહુ ઓછા દર્દી આવતા. ડોકટરો ત્યારે કવિ બનતા, વાર્તાકાર બનતા. ડિસ્પેન્સરીમાં કવિમિત્રો આવતા. દર્દી આવે તો પ્રેમથી વાતો કરતા. આજે એ હાલત નથી. આજે ડોકટરો માટે તમે પેશન્ટ નથી. પેશન્ટ શબ્દ કેટલો બધો સૂચક છે! પેશન્ટ સાથે પેશન્સ શબ્દ જોડાયેલો છે. તમારે ધીરજ રાખવાની છે. આ પેશન્ટ એક ઘરાક બન્યો છે.

જો ડોકટર આવા બજારુ થયા છે તો તમારી કુદરતની અમૂલ્ય ભેટરૂપી શરીર શું કામ તેને હવાલે કરવું જોઈએ? તમે ડો. એન્ડ્રુ વીલનું પુસ્તક વાંચશો તો બધી વાત સાફ થશે. તેમણે લખ્યું છે કે શરીરમાં ઈન્ફેકશન થયું હોય તો તેની પ્રતિક્રિયારૂપે તાવ આવે છે. એ તાવ સાજા થવાની પ્રક્રિયાનો અંતરંગ ભાગ છે. તાવનો ઉપચાર ન કરો. તેને ઊતરવા દો. નહીં ઊતરે તો કયા જશે? લિન્ડલ્હાર નામના નિસર્ગોપચારકે તો કહેલું Give me fever and I will care every disease. તાવ તો તમારા શરીરને તમે રગડયું હોય અને નિષ્કાળજી કરી હોય તેની ચેતવણીરૂપે અને તમને સાજા કરવાની વિધિરૂપે આવે છે!

માનવીના શરીરમાં તમારી જાણ વગર જ સતત રિજનરેશન થતું હોય છે. તારકભાઈ શરાબ પીતાં. તેનું લીવર કે હૃદય બગડયાં હોય તો શરાબ છોડયા પછી આપોઆપ સાજા થવાની પ્રક્રિયામાં પડયાં. સાત્ત્વિક આહાર રાખો. તેથી લીવરના કોષોમાં જ આપોઆપ સાજા થવાની પ્રક્રિયા સમાયેલી છે. તેથી લીવર સારું થયું. લીવર પોતે સતત પોતાનું નવસર્જન કર્યાં કરે છે. આપણે જો તેલિયા ખોરાક, દારૂ અને બીજો અત્યાચાર કરીએ ત્યારે જ લીવર જવાબ દઈ દે છે.

યાદ રહે કે માનવીના મોટા ભાગના અંગે કોહવાઈ ગયાં હોય તેનું પણ નવસર્જન કરી શકાય છે. આપણા તમામ કોષોમાં માનવીનું જે જિનેટિક મટિરિયલ (મૂળભૂત ગુણસૂત્ર) છે તે સાજા થવાના ગુણો લઈને આવ્યું છે. એ ગુણસૂત્રોની શકિત પર માણસે વિશ્વાસ રાખવો જોઈએ. કોઈપણ ઉપચારપદ્ધતિ અપનાવો. આયુર્વેદ કે હોમિયોપથીમાં પણ સિદ્ધાંત રાખો કે વૈદ કે હોમિયોપથી તમારા પર સવાર ન થઈ જાય. આયુર્વેદની ટીકડીઓના ખડકલા ન ખડકાય. ઓછામાં ઓછું ઔષધ અને વધુમાં વધુ શ્રદ્ધા સાથે કુદરતી ઉપચાર જ કોઈપણ હઠીલાં દર્દને હટાવે છે. મન તે મોજીલું રાખો તો સોનામાં સુંગધ! ડો. એન્ડ્ર વીલની ‘જન્મપત્રિકા’ જાણો. તેઓ હાર્વર્ડની સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજીની ડિગ્રી લઈ પછી હાર્વર્ડ મેડિકલ કોલેજમાં એમ. ડી. થયા. તેણે જોયું કે એલોપથીક દવા નકામી છે ત્યારે તેણે પ્રથમ પુસ્તક લખ્યું ‘ધ નેચરલ માઈન્ડ.’ તેમને હાર્વર્ડ બોટનિકલ મ્યુઝિયમમાં કુદરતી ઔષધો માટેના છોડ ઉપર સંશોધન કરવાનું કામ સોંપાયું. તેઓ આખા વિશ્વમાં ફર્યા.

તેમણે પછી પોતાનું મેગેઝિન ‘ઈન્ટિગ્રેટિવ મેડિસનિ’ શરૂ કર્યું છે. આજે તેઓ મોટે ભાગે હર્બલ થેરપી એટલે કે ઔષધીય છોડમાંથી મળેલી દવા વાપરે છે. જરૂર પડે તો એકયુપંકચર કે હિપ્નોટિઝમનો પણ ઉપયોગ કરે છે. કિરિયોપ્રેકિટસ પણ કરે છે. જરૂર પડે તો જ મિનિમમ, એટલે એકદમ સૂક્ષ્મ પ્રમાણમાં દવા વાપરે છે. તેમની ઈન્ટિગ્રેટિવ મેડિસનિની ફિલસૂફીમાં આ બધુ જ આવી જાય છે. એલોપથીને ધિક્કારતા નથી. અલબત્ત જીવનમાં કોઈ ધિક્કાર જ ન હોવો જોઈએ, સ્વીકાર હોવો જોઈએ. પ્રેમજીવનમાં પછડાટ ખાઓ ત્યારે પણ ધિક્કારને બદલે સહિષ્ણુતા રાખો તેમ ડોકટર કહે છે. જેવો સંબંધ હોય તેવો દૂરથી જાળવી રાખો.

ડોકટર પોતે ઓર્ગેનિક ફૂડ અને ઓર્ગેનિક શાકભાજી (કુદરતી ખાતરવાળાં) ખાય છે તેના બંગલા પાછળ એરિઝોનામાં તે ૨૫૦૦ ચોરસ ફૂટનો ફ્રુટ-શાકભાજીનો ગાર્ડન રાખે છે. બહુ જ ઓછા પ્રમાણમાં કુદરતી ઉછેરવાળી ગાયનાં દહીં-છાશ વાપરે છે. સી. એન. એન. ટીવી ઉપર લેરી કિંગ લાઈવના પ્રોગ્રામને તમે જાણો છો. તેમાં તેણે છેલ્લે સલાહ શું આપેલી? તેણે કહેલું-ખાંડ છોડો. વધુ પડતા રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ અને ચરબીયુકત આહાર છોડો. બસ પછી મુકત મને ફરો. મુકત પ્રેમ કરો.