તેરી પાબંદિયો સે રુક નહીં સકતી યે ફરિયાદે, અગર હમ ચૂપ રહે તો જખ્મ સારે બોલ પડતે હૈ.‘ મંજર ભોપાલી
સંવેદના એટલે દરેક લાગણીઓને ઉત્કટતાપૂર્વક જીવવાની અને માણવાની કળા. સંવેદના દરેક માણસના નસીબમાં નથી હોતી. કેટલાંક લોકો પથ્થર જેવા હોય છે. આવા લોકો પર સંવેદનાની કોઇ અસર થતી નથી. દરેક પથ્થરમાંથી પ્રતિમા ન બને. અસંવેદનશીલ માણસ પર સંવેદના રાખવી એટલે પથ્થર પર પાણી ઢોળવું. જે માણસ સમજી ન શકે તેની સાથે સંવેદનાનું પ્રદર્શન ન કરવું. આમ પણ સંવેદનાના દર્શન હોય, પ્રદર્શન નહીં.
સંવેદનશીલ હોવું એ સારી વાત છે પણ સંવેદનાનો અતિરેક સારો નહીં. દરેક ગુણ એની મર્યાદામાં જ શોભે. નદી એનો કિનારો છોડે તો ખાનાખરાબી સર્જે છે. હવાને મસ્તી ચડે તો આંધી ફૂંકાય છે. પ્રકાશ દીવાથી જ આવે, આગથી નહીં. સંવેદનાનું પણ પ્રમાણભાન જળવાવું જોઇએ. માત્ર સંવેદનાથી જિંદગી જીવાતી નથી. તમારા જીવનમાં, તમારા કામમાં અને તમારા ઘ્યેયમાં તમારી સંવેદના પ્રેરણારૂપ બનવી જોઇએ.
એક સરસ મજાની ઉકિત છે. તું એટલો કડવો ન થજે કે જગત તને થૂંકી નાખે, તું એટલો મીઠો પણ ન થજે કે જગત તને ચાવી જાય. કોઇ મસળી નાખે એટલી ઋજુતા ઘણીવખત જીવલેણ બને છે. આપણે સંવેદનશીલ હોઇએ એટલે જરૂરી નથી કે આપણી સાથેના લોકો પણ એટલા જ સંવેદનશીલ હોય.
ઘણી વખત સંવેદનશીલ લોકો પોતાની વ્યકિત પાસેથી એવી જ અપેક્ષા રાખતાં હોય છે કે તેણે પણ અત્યંત સંવેદનાપૂર્વક વર્તવું. સંબંધોમાં માણસ હંમેશાં એવું ઇરછે કે તેની દરેક વાતનો અને દરેક વર્તનનો પોઝિટિવ પડઘો પડે. જો કે દરેક વખતે એવું થતું નથી. દરેક વખતે આપણાં ધાર્યા મુજબનો જ રિસ્પોન્સ મળે એવું જરૂરી નથી.
આપણો મૂડ હોય એવો જ મૂડ સામા માણસનો હોય એ પણ જરૂરી નથી. ઘણીવખત સારો માણસ પણ તેના અંગત સંજોગોના કારણે ખરાબ વર્તન કરી બેસે છે. સંવેદનશીલ માણસોને આવી ઘટનાઓ વખતે આકરી ઠેસ પહોંચે છે. સામેનો માણસ આપણી ધારણાથી જુદું કે વિચિત્ર વર્તન કરે ત્યારે તેની મેન્ટલ કન્ડિશન અને તેણે આવું શા માટે કર્યું એ પણ શાંતિથી વિચારવું જોઇએ. ગમે એવો ડાહ્યો માણસ પણ ભૂલ કરી શકે છે. એ ભૂલ સમજવાની અને સ્વીકારવાની તૈયારી રાખવી જોઇએ.
માણસમાં સામેની વ્યકિતનું વર્તન માપવાની આવડત પણ હોવી જોઇએ. આપણે ઘણીવખત આપણા મૂડને જ ઘ્યાનમાં રાખીએ છીએ. ઓફિસેથી બોસની ડાંટ ખાઇને આવેલા પતિની રાહ જોઇને બેઠેલી પત્નીએ આવતાવેંત બહાર જવાની વાત કરી. એ સાથે જ પતિ તાડૂકયો. તને બસ તારી જ પડી છે. તારું ધાર્યું જ કરવું છે અને મારી પાસે કરાવવું છે. અને લાંબો ઝઘડો ચાલ્યો.
મોટા ભાગે એવું થતું હોય છે કે કોઇનો ઇરાદો ખરાબ નથી હોતો, કોઇને ઝઘડવું હોતું નથી, પણ માણસ અજાણતાં જ ખરાબ વર્તન કરી બેસે છે. આવા સમયે પોતાની વ્યકિતને ઓળખવી અને સાચવવી એ પણ સંવેદનાનો જ એક ભાગ છે. મોટાભાગના સંબંધો અત્યંત ક્ષુલ્લક કારણોસર તૂટે છે. તકલીફ ત્યારે થાય છે કે માણસ કયારેય પોતાની ભૂલ સમજતો જ નથી, અને સામેવાળાની ભૂલને પણ સમજતો નથી. દરેક ભૂલની સજા ન હોય, ઘણી ભૂલો સુધારવા પ્રેમની પણ જરૂર પડે છે.પતિ-પત્નીના ઝઘડા બાદ પત્નીએ કહ્યું કે, સોરી મને ખબર ન હતી કે તું ડિસ્ર્ટબ છે, તારી સાથે શું વિત્યું છે, તને વધુ ડિસ્ર્ટબ કરવાનો મારો ઇરાદો ન હતો. પત્નીની વાત સાંભળીને પતિએ પણ કહ્યું કે, મારું તારી સાથેનું વર્તન બરોબર ન હતું. આઇ એમ સોરી, હું તારી સાથે કારણ વગર ખરાબ વર્તન કરી બેઠો. અલબત્ત, આપણામાં આટલી સહજતા જ હોતી નથી.
મોટાભાગે માણસ એવું વિચારે છે કે, મારે જ એના મૂડનું ઘ્યાન રાખવાનું? મારા મૂડનું કંઇ નહીં? આપણી સંવેદના આપણા ઉપર જ હાવિ ન થઇ જાય તેનું પણ ઘ્યાન રાખવું પડે છે. સંવેદનશીલ રહો પણ એટલા બધા પણ સંવેદનશીલ ન થાવ કે સામાવાળાની વેદના પણ ન જોઇ શકો. માત્ર સંવેદનશીલ નહીં, વ્યવહારુ પણ બનવું પડે છે. આપણી સંવેદનાના ભાર નીચે આપણે જ ન દબાઇ જઇએ તેનું ઘ્યાન રાખવું જોઇએ. આપણી સંવેદના કોઇને હળવા બનાવવા હોવી જોઇએ. સંવેદનાનો દુરાગ્રહ બીજાને તો હળવા નહીં બનાવે, પોતાની જાતને પણ ભારે બનાવી દેશે. તમારી સંવેદના કોઇના માટે ગૂંગળામણ ન બની જાય તેનો ખ્યાલ રાખજો. ‘
છેલ્લો સીન
સિંહને પણ માખીઓથી પોતાની રક્ષા કરવી પડે છે. ‘જર્મન કહેવત,
human think........ was be great ................
ReplyDeleteHmm.... It"s very nyc to Xplain.... "સંવેદનાનો અતિરેક"
ReplyDelete