Rajiv Bhalani
‘ધન હંમેશાં ખર્ચાવા માટે જ આવે છે.’ એ થયો સમૃદ્ધિનો પહેલો સિદ્ધાંત. બીજો સનાતન સિદ્ધાંત છે, ‘અનેક લોકોના ફાયદા માટે જોઇતું ધન જલદી આવે છે.’ તમે માત્ર તમારા ફાયદા માટે ધન ઇચ્છતા હો એના બદલે જેમાં અનેક લોકોનો ફાયદો સમાયો છે તેવા કોઇ કાર્ય માટે જો ધન ઇચ્છતા હો તો એ વહેલું આવે છે. સામૂહિક ફાયદાના લક્ષ્ય વ્યક્તિગત ફાયદાના લક્ષ્ય કરતાં વહેલાં સિદ્ધ થાય છે.
મોટી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ કે લોકહિતના કાર્યોકરતી સંસ્થાઓ ઓછા સમયમાં ખૂબ મોટા ભંડોળ એકઠા કરી શકે છે તે વાતથી તમે અજાણ નથી. જે ટ્રસ્ટીઓ કે કારોબારીના સભ્યોની મહેનતથી આ ફંડ એકઠું થાય છે એ જ ટ્રસ્ટીઓ કે કારોબારીના એ જ વાક્યોથી પોતાના અંગત ફાયદા માટે એટલી મોટી રકમ એટલી ઝડપથી નથી ભેગી થઇ શકતી. આવું કેમ થાય છે? શા માટે સામૂહિક ફાયદાને પ્રાથમિકતા?
દુનિયાના તમામ લોકો ભલે અલગ અલગ લાગતા હોય પણ મૂળ સ્વરૂપે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે, એક જ છે. આપણે સૌ એક જ ઊર્જાના જુદા જુદા આંદોલનોથી પેદા થતી જુદી જુદી અભિવ્યક્તિ છીએ. તમે કદાચ મને જોયો પણ નહીં હોય અને હું પણ તમને સૌને નથી ઓળખતો, છતાં હું અને તમે એક જ છીએ.
ખરેખર એક જ ઊર્જા છીએ. તમારી ઊર્જાના આંદોલનો અને મારી ઊર્જાના આંદોલનોમાં ગતિનો જ ફરક છે માટે તમે જુદા દેખાઓ છો અને હું જુદો દેખાઉ છું. જાગૃતિના સ્તરે જ આ ફરક છે. અજાગ્રત સ્તરે આ જુદાપણું હોતું જ નથી ત્યાં બધું જ ઐક છે. ઊંડી ઘ્યાન અવસ્થા કે ગહન સમાધિમાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે બધું જ એક છે, સમરસ છે.
સૃષ્ટિનું જે મૂળચૈતન્ય છે તે આપણાં સૌમાં રહેલું છે અને એ તાકાત વિકાસ ઝંખે છે. આપણાં સૌમાં રહીને તે વધુને વધુ અભિવ્યક્ત થવા થનગને છે. જો હું સમૃદ્ધ થઉ તો મારામાં રહેલ ચૈતન્ય વિકસે અને જો તમે સમૃદ્ધ થાઓ તો તમારી અંદર રહેલ ચેતના વિકસે પરંતુ જો આપણે બંને અને બીજા અસંખ્ય લોકો સમૃદ્ધ થાય તો એ ચૈતન્ય કેટલી બધી જગ્યાએ વિકસી શકે?
આપણે જુદા દેખાઇએ છીએ પણ ચૈતન્ય તો એ જ છે ને! અનેક લોકોને ફાયદો થાય, તો એનો વિકાસ વધે માટે જ એ સામૂહિક ફાયદાના કાર્યો માટે નાણાંનું સર્જન સૌથી પહેલા કરે છે, કારણ કે સમૃદ્ધિનું સર્જન કરવાની સત્તા પણ એની પાસે જ છે.
આપણે આપણાં આખા શરીરનો ફાયદો વિચારીએ છીએ. આપણાં ઘૂંટણને ભલે આપણાં કાનની તંદુરસ્તીમાં રસ ન હોય કે ગળાને ભલે આપણી કિડનીના સ્વાસ્થ્યમાં રસ ન હોય પણ આપણને એ બધાના સ્વાસ્થ્યમાં રસ છે.
એક એવું કાર્ય હોય કે જેમાં માત્ર આંખને જ ફાયદો હોય અને બીજું એવું કાર્ય હોય કે જેમાં હાથ, પગ, પીઠ, ઘૂંટણ, ગળું, કિડની અને આંખ આ બધાં અવયવોને ફાયદો થતો હોય તો તમે સૌથી પહેલાં કયું કામ પસંદ કરશે? સ્વાભાવિક છે કે જેમાં વધારે અવયવોને ફાયદો છે એ જ કામ આપણે પહેલાં કરીએ.
સૃષ્ટિ પણ આ જ કાર્ય કરે છે. જેમાં અનેક લોકોને ફાયદો હોય તેવા કામ પર પહેલાં ઘ્યાન આપે છે. આર્થિક તકલીફ એ લોકોને પડતી હોય છે કે જેઓ પોતાને શરીર સમજી લેતા હોય છે. શરીર તો સમગ્ર સષ્ટિ છે. આપણે એ શરીરના અનેક અવયવોમાંનું એક અવયવ છીએ.
આપણાં એકલાના ફાયદા પર એ પછી ઘ્યાન આપશે. જેમાં આપણાં સહિતના અનેક અવયવો એટલે કે લોકોનો ફાયદો હશે તે બાબત પર એ પહેલાં ઘ્યાન આપશે. સમૃદ્ધ થવા માટે આ સિદ્ધાંતનો ખૂબ સરળ રીતે ઉપયોગ કરી શકાય.
જો એવો કોઇ વ્યવસાય પસંદ કરો કે જે કરવાથી તમારા ઉપરાંત અનેક લોકોને આવક થતી હોય, તો એ વધુ ફાયદો આપે. ઘણાં બધા લોકો સાથે મળીને એક જ વ્યવસાય કરતા હોય અને એના કારણે એ તમામ પરિવારોને ફાયદો થતો હોય તેવા વ્યવસાયમાં તેમની સાથે જોડાવું પણ ખૂબ ફાયદાકારક છે.
અનેક સંસ્થાઓને જો તમે તમારા કામમાં જોડીને સૌની સાથે નફો વહેંચો તો પણ લાભ વધે. આ તમામ પદ્ધતિમાં ખૂબ મોટા ટર્ન ઓવરની શક્યતાઓ રહેલી છે. સામૂહિક નફો મોટો હશે એટલે તમને પણ વધુ રકમ મળશે. આ રીતે કામ કરવાથી તમારો વિકાસ ખૂબ વધી જશે. એ જ ફાયદો સૌને થશે. પરમાત્માને પણ એ જ તો જોઇએ છે!
સોના મહોર :વરસાદને આપણું પવાલું ભરવામાં જ રસ નથી હોતો. એના ઓરતા તો મલક આખાને તરબોળ કરવાના હોય છે.