Search This Blog

સમૃદ્ધિ મેળવવાના સનાતન સિદ્ધાંતો - Rajiv Bhalani

સમૃદ્ધિ મેળવવાના સનાતન સિદ્ધાંતો
Rajiv Bhalani
સૃષ્ટિનું જે મૂળચૈતન્ય છે તે આપણાં સૌમાં રહેલું છે અને એ તાકાત વિકાસ ઝંખે છે. આપણાં સૌમાં રહીને તે વધુને વધુ અભિવ્યક્ત થવા થનગને છે. જો હું સમૃદ્ધ થઉ તો મારામાં રહેલ ચૈતન્ય વિકસે અને જો તમે સમૃદ્ધ થાઓ તો તમારી અંદર રહેલ ચેતના વિકસે પરંતુ જો આપણે બંને અને બીજા અસંખ્ય લોકો સમૃદ્ધ થાય તો એ ચૈતન્ય કેટલી બધી જગ્યાએ વિકસી શકે? આપણે જુદા દેખાઇએ છીએ પણ ચૈતન્ય તો એ જ છે ને! અનેક લોકોને ફાયદો થાય, તો એનો વિકાસ વધે માટે જ એ સામૂહિક ફાયદાના કાર્યો માટે નાણાંનું સર્જન સૌથી પહેલા કરે છે...

rich life‘ધન હંમેશાં ખર્ચાવા માટે જ આવે છે.’ એ થયો સમૃદ્ધિનો પહેલો સિદ્ધાંત. બીજો સનાતન સિદ્ધાંત છે, ‘અનેક લોકોના ફાયદા માટે જોઇતું ધન જલદી આવે છે.’ તમે માત્ર તમારા ફાયદા માટે ધન ઇચ્છતા હો એના બદલે જેમાં અનેક લોકોનો ફાયદો સમાયો છે તેવા કોઇ કાર્ય માટે જો ધન ઇચ્છતા હો તો એ વહેલું આવે છે. સામૂહિક ફાયદાના લક્ષ્ય વ્યક્તિગત ફાયદાના લક્ષ્ય કરતાં વહેલાં સિદ્ધ થાય છે.

મોટી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ કે લોકહિતના કાર્યોકરતી સંસ્થાઓ ઓછા સમયમાં ખૂબ મોટા ભંડોળ એકઠા કરી શકે છે તે વાતથી તમે અજાણ નથી. જે ટ્રસ્ટીઓ કે કારોબારીના સભ્યોની મહેનતથી આ ફંડ એકઠું થાય છે એ જ ટ્રસ્ટીઓ કે કારોબારીના એ જ વાક્યોથી પોતાના અંગત ફાયદા માટે એટલી મોટી રકમ એટલી ઝડપથી નથી ભેગી થઇ શકતી. આવું કેમ થાય છે? શા માટે સામૂહિક ફાયદાને પ્રાથમિકતા?

દુનિયાના તમામ લોકો ભલે અલગ અલગ લાગતા હોય પણ મૂળ સ્વરૂપે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે, એક જ છે. આપણે સૌ એક જ ઊર્જાના જુદા જુદા આંદોલનોથી પેદા થતી જુદી જુદી અભિવ્યક્તિ છીએ. તમે કદાચ મને જોયો પણ નહીં હોય અને હું પણ તમને સૌને નથી ઓળખતો, છતાં હું અને તમે એક જ છીએ.

ખરેખર એક જ ઊર્જા છીએ. તમારી ઊર્જાના આંદોલનો અને મારી ઊર્જાના આંદોલનોમાં ગતિનો જ ફરક છે માટે તમે જુદા દેખાઓ છો અને હું જુદો દેખાઉ છું. જાગૃતિના સ્તરે જ આ ફરક છે. અજાગ્રત સ્તરે આ જુદાપણું હોતું જ નથી ત્યાં બધું જ ઐક છે. ઊંડી ઘ્યાન અવસ્થા કે ગહન સમાધિમાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે બધું જ એક છે, સમરસ છે.

સૃષ્ટિનું જે મૂળચૈતન્ય છે તે આપણાં સૌમાં રહેલું છે અને એ તાકાત વિકાસ ઝંખે છે. આપણાં સૌમાં રહીને તે વધુને વધુ અભિવ્યક્ત થવા થનગને છે. જો હું સમૃદ્ધ થઉ તો મારામાં રહેલ ચૈતન્ય વિકસે અને જો તમે સમૃદ્ધ થાઓ તો તમારી અંદર રહેલ ચેતના વિકસે પરંતુ જો આપણે બંને અને બીજા અસંખ્ય લોકો સમૃદ્ધ થાય તો એ ચૈતન્ય કેટલી બધી જગ્યાએ વિકસી શકે?

આપણે જુદા દેખાઇએ છીએ પણ ચૈતન્ય તો એ જ છે ને! અનેક લોકોને ફાયદો થાય, તો એનો વિકાસ વધે માટે જ એ સામૂહિક ફાયદાના કાર્યો માટે નાણાંનું સર્જન સૌથી પહેલા કરે છે, કારણ કે સમૃદ્ધિનું સર્જન કરવાની સત્તા પણ એની પાસે જ છે.

આપણે આપણાં આખા શરીરનો ફાયદો વિચારીએ છીએ. આપણાં ઘૂંટણને ભલે આપણાં કાનની તંદુરસ્તીમાં રસ ન હોય કે ગળાને ભલે આપણી કિડનીના સ્વાસ્થ્યમાં રસ ન હોય પણ આપણને એ બધાના સ્વાસ્થ્યમાં રસ છે.

એક એવું કાર્ય હોય કે જેમાં માત્ર આંખને જ ફાયદો હોય અને બીજું એવું કાર્ય હોય કે જેમાં હાથ, પગ, પીઠ, ઘૂંટણ, ગળું, કિડની અને આંખ આ બધાં અવયવોને ફાયદો થતો હોય તો તમે સૌથી પહેલાં કયું કામ પસંદ કરશે? સ્વાભાવિક છે કે જેમાં વધારે અવયવોને ફાયદો છે એ જ કામ આપણે પહેલાં કરીએ.

સૃષ્ટિ પણ આ જ કાર્ય કરે છે. જેમાં અનેક લોકોને ફાયદો હોય તેવા કામ પર પહેલાં ઘ્યાન આપે છે. આર્થિક તકલીફ એ લોકોને પડતી હોય છે કે જેઓ પોતાને શરીર સમજી લેતા હોય છે. શરીર તો સમગ્ર સષ્ટિ છે. આપણે એ શરીરના અનેક અવયવોમાંનું એક અવયવ છીએ.

આપણાં એકલાના ફાયદા પર એ પછી ઘ્યાન આપશે. જેમાં આપણાં સહિતના અનેક અવયવો એટલે કે લોકોનો ફાયદો હશે તે બાબત પર એ પહેલાં ઘ્યાન આપશે. સમૃદ્ધ થવા માટે આ સિદ્ધાંતનો ખૂબ સરળ રીતે ઉપયોગ કરી શકાય.

જો એવો કોઇ વ્યવસાય પસંદ કરો કે જે કરવાથી તમારા ઉપરાંત અનેક લોકોને આવક થતી હોય, તો એ વધુ ફાયદો આપે. ઘણાં બધા લોકો સાથે મળીને એક જ વ્યવસાય કરતા હોય અને એના કારણે એ તમામ પરિવારોને ફાયદો થતો હોય તેવા વ્યવસાયમાં તેમની સાથે જોડાવું પણ ખૂબ ફાયદાકારક છે.

અનેક સંસ્થાઓને જો તમે તમારા કામમાં જોડીને સૌની સાથે નફો વહેંચો તો પણ લાભ વધે. આ તમામ પદ્ધતિમાં ખૂબ મોટા ટર્ન ઓવરની શક્યતાઓ રહેલી છે. સામૂહિક નફો મોટો હશે એટલે તમને પણ વધુ રકમ મળશે. આ રીતે કામ કરવાથી તમારો વિકાસ ખૂબ વધી જશે. એ જ ફાયદો સૌને થશે. પરમાત્માને પણ એ જ તો જોઇએ છે!

સોના મહોર :
વરસાદને આપણું પવાલું ભરવામાં જ રસ નથી હોતો. એના ઓરતા તો મલક આખાને તરબોળ કરવાના હોય છે.

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

Kanti Bhatt
તમારો ૨૫ ટકા ખોરાક જ તમને જિવાડે છે, બાકીનો ડોક્ટરને કરોડપતિ બનાવે છે
આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં સાદી કહેવત કહેલી, ‘લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ.’ આહારને જ ઔષધરૂપ બનાવો. સૂક્ષ્મ પ્રમાણમાં પેટ ઊણું રાખીને ચાવી ચાવીને મૂંગા મોંઢે ચુસ્ત જૈનોની જેમ ખાઓ. ઇજિપ્તની એક જૂની કબર ઉપર શિલાલેખ વાંચવા મળ્યો. તેમાં લખેલું કે તમે જે ખાઓ છો (વધુપડતું) તેમાંથી ૨૫ ટકા જ તમને જીવતા રાખે છે. બાકીનો ૭૫ ટકા આહાર ડોક્ટરોને જિવાડે છે! આજે ‘જિવાડે’ નહીં ડોક્ટરોને કરોડપતિ બનાવે છે.

ઘણા ડોક્ટરો પોતે જ વધુપડતા વજનથી-ઓબેસિટીથી પીડાય છે. સુપ્રીમ કોર્ટના અમેરિકન જસ્ટિસ ઓલીવર વેન્ડેલ હોમ્સ પોતે એમડી ડોક્ટર હતા. એક દર્દીએ જંક ફૂડવાળા પર કેસ કર્યો તેને ચુકાદો આવ્યો કે હું પણ ડોક્ટર હતો, પણ મારો અનુભવ છે કે તમામ દવાને દરિયામાં ફેંકી દો અને કુદરતી આહાર ખાઓ તો જીવશો પણ તકલીફ એ થશે કે એલોપથિક દવા થકી બિચારી સમુદ્રની માછલીઓ મરી જશે! એમીલ સોવેસ્ટર નામના અંગ્રેજ ડાયેટિશ્યને આજના માનવીને કટાક્ષમાં કહેલું કે આધુનિક માનવ પોતાના પેટને ગુલામ જેવું માને છે અને જે કાંઈ સ્વાદિષ્ટ લાગે તે પેટમાં પધરાવે છે, પણ પેટ તો ઇન્ટેલિજન્ટ છે તે મોડેથી વેર વાળે છે.

‘ફિટ ફોર લાઇફ’ નામના પુસ્તક ઉપરથી તેમજ દેવલા અનેક નિસર્ગોપચાર કેન્દ્રોના ડોક્ટરોને મળીને કેટલીક ઓબેસિટી અને આહારને લગતી માર્ગદર્શક કે ચોંકાવનારી વાતો અહીં રજૂ કરી છે:

(૧) માઇકલ ક્રાઉફર્ડ અને તેની પત્નીએ મળીને આહાર ઉપર પુસ્તક લખ્યું છે. તેમાં કહ્યું છે કે આદિ માનવનું મગજ નાનું હતું. ‘પેટ મોટું’ હતું. (ક્ષુધા) તેથી જે મળે તે પેટ ભરીને ખાતો. આજે માણસનું મગજ પહેલાં કરતાં ૨-૩ ગણું વિકસ્યું છે. આંતરડા નાનાં થતાં ગયાં છે. તેથી (બ્રેઇન એકસપાન્સનથી) માણસે ઓછામાં ઓછો રાંધેલો આહાર અને વધુમાં વધુ કાચો (કચુંબર) આહાર અને ફ્રૂટ લેવાં જોઈએ. મગજનું કામ કરનારા માટે આ સલાહ છે.

(૨) અમેરિકામાં ‘અમેરિકન ન્યુટ્રીશન એસોસિયેશન ઊભાં થયાં છે અને તેના સભ્યો કાચા આહારનો પ્રચાર કરે છે. આજે કુદરતી ચિકિત્સાવાળા ચેરી નામના ફ્રૂટનો રસ સવારે નરણે કોઠે લે છે. આપણા આલુબુખારા જેવાં આ ફળ વિદેશમાં વધુ થાય છે અને સૂકવીને નહીં તાજાં ખવાય છે. એક જમાનામાં ૪૦ વર્ષ પહેલાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં ૨૯૭૦ ટન ચેરી થતી. તેમાં ઉત્તમ કુદરતી વિટામિન ‘સી’ મળે છે. જૂના ખરજવા પર ચેરીનાં બીનો મલમ અકસીર છે. તે એક નર્વ ટોનિક છે. મગજનો થાક ઉતારે છે, પણ પિશ્ચમમાં તેનો લાલ રંગનો વાઇન વધુ પીવાય છે.

ચેરી એશિયા અને ભારતનું ફળ હતું. રોમન શહેનશાહો યુરોપમાં ચેરીના બી લઈ ગયા. રોમમાં જાહેર રસ્તા પર ચેરી વવાતા જેથી સૈનિકો ભૂખ્યા થાય તો તોડીને ખાય અને તેમના સાંધાના દુ:ખાવા મટી જાય. ડો.લુડવીગ બ્લાઉએ પછી ૨૦મી સદીમાં ધડાકો કર્યો કે તે પોતે સંધિવા અને ગિઠયા વાથી પીડાતા હતા.તેમણે રોજ રાંધેલો આહાર છોડીને સવારે ફ્રૂટ અને ચેરીનો રસ પીવા માંડયા તેથી ચાલતાં થયા. ચેરીના વિટામિન સી થકી શરીરમાં યુરિક એસિડ ઓછો થાય છે. ‘જર્નલ ઓફ નેચરલ મેડિસિન’માં લખ્યું છે કે ચેરીમાં એન્થોસાઇનીન્સનું તત્ત્વ છે તે યુરિક એસિડ ઓછો કરે છે. આ એસિડ જ સાંધાના દુ:ખાવોનો વિલન છે.

(૩) ઉત્તર આફ્રિકામાં જન્મેલી ડો.એમિલી કેનના પિતાની રાજદૂત તરીકે અમેરિકામાં ટ્રાન્સ્ફર થઈ. તેણે હાર્વર્ડ યુનિ.માં શિક્ષણ લીધું. એલોપથી પ્રત્યે નફરત થતાં તેણે અમેરિકામાં સિએટલ શહેરમાં આવેલી બેસ્ટિયર યુનિ.માં નિસર્ગોપચાર અને એકયુપંકચર શીખ્યું. ડો.એમિલી કેને તાજેતરમાં મેનોપોઝ પર પુસ્તક લખ્યું છે. તેમાં ફળના રસને મુખ્ય ઔષધ બતાવ્યું છે.

ડો.એમિલી કેને બુઢાપો નિવારવાને લગતો લેખ લખ્યો છે. તેમાં ટૂંકો મંત્ર આપ્યો છે ‘ઈટ લેસ એન્ડ સ્ટે એકિટવ.’ ઓછું ખાઓ. કુદરતી આહાર લો. ડો. એમિલી પાકિસ્તાનના હિમાલય પાસેના હુંઝા પ્રદેશમાં ગયેલી. ત્યાંના લોકો કુદરતી આહાર જ લે છે. ભૂખ્યા થાય તો જ ખાય છે. તે બધા ૧૦૦ વર્ષ જીવે છે. નામદાર આગાખાને ત્યાં ઘણા ઇસ્માઇલી-હુંઝાળોનો આહારપદ્ધતિનો પાઠ લીધો છે. એ લોકો રોજા પાળે છે પણ માત્ર ૫-૬ ખજૂરની પેશીથી જ રોજા તોડે છે. ડો.એમિલી ગાજરનો રસ પીવાની ભલામણ કરે છો.

ડો.અનુતારા ટેલન્ટસએ તો આર્થરાઇટિસ ન થાય તે માટે ચેરીનો રસ પીવા કહ્યું છે. નિસર્ગોપચારક ડો.મેડેલિન ઇનોસન્ટએ પણ કહ્યું છે કે ખોરાકને રાંધવાથી ઘણા પાચક રસો-એન્જાઇમ નાશ પામે છે. ફળો, કચુંબર વગેરે પ્રિ ડાઇજેસ્ટેડ ફૂડ છે. તેણે લોકોને શાકાહારી બનાવવા ઘોડાનો દાખલો આપેલો. ઘોડાના અને માણસના દાંત લગભગ સરખા છે. ઘોડા શાકાહારી છે. ભૂખ લાગે તો જ ખાય છે. તે કેટલું બળૂકું દોડી શકે છે!

(૪) અમેરિકાની ‘સેન્ટર ફોર સાયન્સ એન્ડ પબ્લિક ઇન્ટરેસ્ટ’ નામની સંસ્થાએ પૂર્વ પ્રમુખ બુશને દરખાસ્ત કરેલી કે દરેક કોલાના પીણાં કે ગળ્યા-બોટલ્ડ પીણાં ઉપર ચેતવણી છપાય કે ૧૨ ઔંસથી વધુના પીણામાં મોટા પ્રમાણમાં કત્રિમ ગળપણ હોય છે. અમેરિકામાં ૩૦ કરોડ લોકો ઓબેસિટીવાળા છે. તેઓ ખોટા આહાર થકી અને કત્રિમ ગળપણવાળા બોટલનાં પીણાં થકી પીડાય છે. વોશિંગ્ટન યુનિ.એ સર્વે કર્યોતો ૬૬.૫ ટકા એલોપથિક ડોક્ટરે કહ્યું કે અમને સ્થૂળતા નિવારવાના ઇલાજનું સ્પષ્ટ જ્ઞાન નથી તો તે માટે ડોક્ટરોને તાલીમ અપાય! લ્યો કરો વાત! ૫૦ ટકા અમેરિકનો લીલાં શાકભાજી ખાતા નથી.

રેસ્ટોરાંનો ‘મરેલો’ ખોરાક ખાય છે. તેમાં મહત્તમ કાર્બોહાઇડ્રેટ (ઘઉ-મકાઈ વગેરે) હોય છે. તેનું પ્રમાણ માત્ર ૨૦ ટકા હોવું જોઈએ. ૮૦ ટકા ફળ-શાકભાજીનો આહાર હોવો જોઈએ. કાર્બોહાઇડ્રેટને પચાવવા લીવરે ખૂબ કામ (ઓવર વર્ક) કરવું પડે છે. બ્રેડના આહારથી અને હવે શહેરોમાં વડાપાંઉ થકી લીવર બગડે છે. જમવામાં બે-ત્રણ આઇટમ જ હોવી જોઈએ-મેની ડિશીઝ બ્રિંગ મેની ડિશીઝ. આજના કહેવાતા સિવિલાઇઝેશને આહારને વંઠાવ્યો છે. ઘડપણ નિવારવા શાકભાજી અને ફળનો રસ ઉત્તમ છે. ‘હિલિંગ પાથ ઈઝ એ નેચર પાથ’ નામના પુસ્તકના લેખક કહે છે કે પ્રોસેસ્ડ ફૂડ પોષણ આપતા નથી, હૃદયરોગ આપે છે.

(૫) છેલ્લે ડો.લોરી જેકબઝ તેના પુસ્તક લેટ ફૂડઝ બી યોર મેડિસિન પુસ્તકમાં લખે છે કે વૃદ્ધાવસ્થા નિવારવા તેમજ ગર્ભવતીના ગર્ભનું રક્ષણ કરવા અને કરોડરજજુના રોગ નિવારવા કુદરતી ફોલિક એસિડ મેળવવા પાલક, શતાવરી કંદગોબી,કેળાં,સલાડપત્તી, ગાજર અને મૂળા ખાઓ. જુવારના કે ચોખાના ઢોકળામાં ફોતરાવાળી મગની દાળ અને અંદર લીલા શાક નાખીને તેને સપ્તાહમાં બે-ત્રણ વખત ખાઓ તો કુદરતી ફોલિક એસિડ મળશે.
kantibhatt

ઈશ્વરનો સાથ... Unknown

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.

આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની.

થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ ક દુ:ખી હતો ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્રત્યે નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવું કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’

ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’

‘તો પછી…..’

‘સાંભળ તો ખરો. તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.

અંધશ્રદ્ધા....- શ્રી ગોવિન્દ મારુ.


અમારા એક પરીચીતનું નામ લલ્લુભાઈ. એ રહે લાખાવાડીમાં. (નામ, ગામ અને આખો કીસ્સો કાલ્પનીક છે) કારણ શું હશે તે ખબર નહીં; પણ ગામમાં બધા એમને ‘લલ્લુ લંગોટી’ કહેતા. પણ મુશ્કેલી એ હતી કે એમને ખુદને બીજાનાં એવાં ટીખળી નામો પાડવાની આદત હતી, એથી ગુસ્સો કરી શકાય એમ હતું નહીં; પણ શીક્ષક હતા, એટલે ભુલ સુધારતા હોય એ રીતે એક વાક્ય બોલ્યા: ‘લંગોટી’ શબ્દ સુરુચીનો ભંગ કરે છે. માળાઓ…, જરા શોભે એવું તો બોલો… !’ પછી એમની વીનંતીને માન આપીને લોકોએ નામ ફેરબદલી કરીને ‘લલ્લુ લખોટી’ રાખ્યું. અખબારમાં નામ બદલ્યાની જાહેરાત પણ આપી- ’હું લાખાવાડીનો લલ્લુ, ‘લલ્લુ લંગોટી’ તરીકે ઓળખાતો હતો તે હવેથી ‘લલ્લુ લખોટી’ તરીકે ઓળખાઈશ.’

ઉપરની કાલ્પનીક ઘટના વાંચી તમને થશે કે હું કોઈ હાસ્યલેખ લખવાની ચેષ્ટા કરી રહ્યો છું. પણ ના, વાત અંધશ્રદ્ધાની કરવી છે. એથી ગમ્ભીરપણે જો એમ કહું કે ‘લાખાવાડીનો લલ્લુ લખોટી લંડન જાય તો ત્યાં પણ બારસાખે લીંબુ અને મરચું લટકાવે…’ તો કોઈને આશ્વર્ય નહીં થાય. કેમ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે રીતે ‘લીંબુ અને મરચું’ ને આપણે આપણી અન્ધશ્રદ્ધાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારી લીધું છે.

હમણાં મુમ્બઈ જવાનું બન્યું. ત્યાં પણ મેં દુકાનમાં, કે ઘરોમાં લીંબુ અને મરચું લટકતાં જોયા ! (મી મુમ્બઈત અંધશ્રદ્ધા ચા ભાંડા ફોડુન ટાકલા… !)
શોધવા નીકળો તો દર દશમાંથી એક ઘરે અને દુકાને (અરે… હૉસ્પીટલોમાં અને સાયન્સની લેબોરેટરીના દરવાજે સુધ્ધાં..!) લીંબુ અને મરચું લટકતું જોવા મળશે. આ લખાય છે ત્યારે યોગાનુયોગ ‘ગુજરાતમીત્ર’ માં પ્રેમ સુમેસરા એક ચર્ચાપત્રમાં લખે છે- સુરત મહાનગરપાલીકાએ પચાસ કરોડ રુપીયાના ખર્ચે અત્યાધુનીક સાયન્સ સેન્ટરનું નીર્માણ કર્યું. એક અખબારી અહેવાલ અનુસાર એનું બાંધકામ સમ્પુર્ણપણે વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ કરવામાં આવ્યું છે. આ જાણ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે બારાખડીમાં જ જોડણીની ભુલ કરવામાં આવી હોય.

હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે ! પલાસ્ટીકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ કરેલું કહેવાય. આપણે સમાજ બદલવાની બુમરાણ મચાવીએ છીએ પણ સમજ બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વીચારો બદલતાં નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હૃદયમાં પેસમેકર બેસાડીએ છીએ; તો બીજી તરફ એ જ કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ..

-- શ્રી ગોવિન્દ મારુ

ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ?

ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? -

ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો
ખરા ?’

બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની
આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને
આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો
દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા
પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં
છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’
ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ
માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને
વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.
નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના
હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના
કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.
***
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલુંજ!

આભાર,