Search This Blog

ઘાવ: આપોઆપ રૂઝાય - Kanti Bhatt

ઘાવ : અંદરના કે બહારના દવા વગર પણ આપોઆપ રૂઝાય

Kanti Bhatt

માનવીના સર્વ દર્દનો કે ઘાવનો ઈલાજ કુદરતી રીતે થાય છે. ઘાવનું જ્ઞાન જ સર્વોપરી છે. ઘાના પોતાની મેળ રૂઝાવવાની પ્રક્રિયાને જાણી લો. ઘાવ સાથે જીવો તો અને ઘાના રૂઝની પોતાની પ્રક્રિયાને ચાબુક મારીને જલદી સુધારવાને બદલે તેને સમજો. આટલું સમજાઈ જાય તો તબીબી જ્ઞાનનું આ રૂઝનું સાયન્સ સમજાઈ જશે.

kanti bhatt

સમય એક વૈદ છે
સમય તો દૈત્ય પણ છે
સમયને સાચવી લો તો
સમય તમને સાચવી લેશે
સમય ઘાવ પાડે છે ને
સમય ઘાવ રૂઝાવે છે
આકળા થયા તો મરી ગયા
સમયને સાચવ્યો તો જીવી ગયા
-તાકિની ઈર્શાદ મનજી (ઈરાની કવયિત્રી)

એક ડચ કહેવત છે કે બીમારી ઘોડે ચઢીને ધડામ દઈ આવી પડે છે પણ પછી એ બીમારી પગે ચાલીને જ તેની મંદ ગતિએ જાય છે, એટલે માનવીએ બીમારીથી ગભરાઈ ન જવું, કુદરતને તેનું કામ કરવા દેવું. મહાન ફ્રેંચ ફિલસૂફ મોન્ટેન એકાંતમાં ટાવરમાં બેસીને સતત લખતા. તેને કોઈએ કહ્યું કે તબિયતનું ઘ્યાન રાખો તો કહે કે ‘લખવામાં તબિયતનું ઘ્યાન ન રહે તો કંઈ નહીં. કુદરત તેનું કામ કરશે. net us little permit nature to take her own way she better understands, her own affair than we. મોન્ટેને તો પોતાના જ જીવનનાં સુખદુ:ખની વાત કરી હતી પણ આજે મારે અમેરિકાના મહાન આરોગ્યશાસ્ત્રી ડો. એન્ડ્રુ વીલની તનમનનાં આરોગ્ય અંગેની ઠોસ વાત કરવી છે.

ડો. એન્ડ્રુ વીલ એલોપથીના એમ. ડી. ડોકટર હતા પણ તેનો એલોપથી ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો. તે નિસર્ગોપચારક બની ગયા છે. તેને જુઓ તો રવીન્દ્રનાથ ટાગોર યાદ આવે. તેમણે ‘હેલ્થ એન્ડ હિલિંગ’’ નામનું પુસ્તક લખ્યું છે. તેનો સાર એ જ છે કે ઘાવ કે બીમારી એ અંદરનાં હોય કે બહારનાં પણ તે દવા વગર આપોઆપ સમયાંતરે મટી જાય છે. ‘ટાઈમ’ મેગેઝિને ૧૯૮૪માં ડો. એન્ડ્રુ વીલ વિશે આવરણ કથા છાપેલી.

આરોગ્યશાસ્ત્રના આ ભડ અમેરિકનના જીવન વિશે પછી વાત કરીશું. તેના આરોગ્ય અને બીમારી વિશેના ક્રાંતિકારી વિચારો જાણવા જેવા છે પણ તમને તેની પ્રાકતિક ચિકિત્સા અગર તો કુદરત મોટો વૈદ છે તે વાતમાં શ્રદ્ધા બેસવી જોઈએ. કેન્સર-હોસ્પિટલમાંથી જેમને હોપલેસ કેસ કહીને રજા દેવાઈ અને કહેવાયું કે તમે ૧૦ દિવસથી વધુ નહીં જીવો તેવા લોકોને ગાજરનો રસ અને મૂત્ર ચિકિત્સાથી આ ડોકટરે સારા કર્યા છે, જેને જીવવાની ખ્વાહિશ છે તેને રોગ મારી નહીં શકે. સમય ત્યારે જ આપોઆપ બીમારી સારી કરે છે જયારે જયારે તમે સમયને મોકો આપવા સાથે જીવનમાં સાત્ત્વિક આહાર લો. સમગ્ર જીવનમાં પરિવર્તન લાવો તો રોગ આપોઆપ સારો થશે.

અમેરિકામાં આજે એલોપથીને ઠેબે મારીને વૈકિલ્પક ચિકિત્સાની બોલબાલા છે. શું કામ એમ. ડી. થયેલા ડો. એન્ડ્રુ વીલ નિસર્ગોપચારને આશરે આવ્યા? એલોપથી જ નહીં, આજે આયુર્વેદના વૈદો મોંઘા બન્યા છે. વૈદો કરોડપતિ થવા માંડયા છે. માંદા પડો એટલે મહિને રૂ. ૧૦૦૦નો ખર્ચ વધે છે, તેમાંથી બચવાનો ડો. એન્ડ્રુ વીલ રસ્તો બતાવે છે. ૨૬ વર્ષ પહેલાં રોજના એ સમયના રૂ. ૧ લાખ કમાતા ડો. એન્ડ્રુ વીલને પોતાને હૃદયરોગનો હુમલો આવ્યો. એલોપથીની કોઈ પણ ટ્રીટમેન્ટ તેને કામ ન લાગી ત્યારે તેણે નિસર્ગોપચારનાં પુસ્તકો વાંરયા. જગતનો રોગના ઉપચારોનો ઈતિહાસ વાંરયો. તેણે જોયું કે માણસ બીમાર પડે ત્યારે સ્વાભાવિક બનીને ખાવાપીવાનું તદ્દન ઓછું કરી નાખે અને કુદરત સાથે જીવે તો આપોઆપ રોગ સારો થાય છે. સમય તમને સારા કરે છે.

વહાલી વ્યકિત કે જેને તમે ખૂબ પ્રેમ કર્યોહોય તેને અમુક નાની મોટી વાતમાં તડફડ કરીને છોડી દેવાને બદલે સંસારમાં થોડાક ઘાવ સહન કરી લો તો કાળક્રમે વિસંવાદિતાના ઘા રૂઝાઈ જાય છે. જે રીતે શરીર તમારું મૂલ્યવાન સંપત્તિ છે એ શરીરને તમારે પૈસા, અને માત્ર પૈસાના જ સગાં બનેલા વૈધ-ડોકટરોને શું કામ હવાલે કરવું જોઈએ ? માનવ જન્મ્યો ત્યારથી તે તેના શરીરના ઘાને સહન કરતો આવ્યો છે. દરેક પ્રાણી પણ. કૂતરો ઘાને ચાટે છે. પશુ-પક્ષી ઘાને ચાટે છે પણ માનવ કહેવાતો સિવિલાઈઝડ બન્યો ત્યારથી ઘાને ઈલાસ્ટોપ્લાસ્ટથી બાંધી દે છે.

જગતમાં લેખનની કળા અને લેખનની સગવડ થઈ ત્યારથી ઘાને કેમ રૂઝવવો તેને લગતાં કુદરતી ઉપચાર વિશે વિદ્વાનો લખતા આવ્યા છે. અમેરિકન લોકો પ્રાચીનકાળમાં પોતાના ઘાવને બિયરથી ધોતા. ૪૦૦૦ વર્ષ પહેલાના કેટલાક ઊડે દાટેલા માટીના ટુકડામાંથી જોવા મળ્યું કે ઘા પર દારૂ રેડીને લોકો ઘા સારા કરતા હતા. હડકાયું કૂતરું કરડે તો ત્રાંબાનો સિક્કો અને સુકા મરચાંની ભૂકી ઘામાં ભરતા. ઈજિપ્તના પુરાણા હકીમો ઘા પર તાજું માંસ મૂકતા. આપણી દાદીમાં હળદર-ઘઉના લોટની પોટીસ મૂકતી. કેટલાક લોકો ઘા પર છાણ ઘસતા. એ પછી માનવીને થયું કે આ ગાયનાં છાણ-મૂતર ઘસવાને બદલે માણસ પોતે જ પોતાનું મૂત્ર પીએ ત્યારે મૂત્ર ચિકિત્સા શરૂ થઈ. ઈજિપ્તમાં ઘણા ઘા પર મધ લગાવતા હતા. સાકરને બાળીને લગાવતા. મધ થકી બેકેટરિયા મરી જાય છે. સાચું મધ હોવું જોઈએ.

વિનોબા ભાવેને પેટમાં અલ્સર (ચાદું) થયું ત્યારે તેણે કોઈ એલોપથીક દવા લીધી નહીં. તેઓ બસ બધો જ ખોરાક છોડીને દહીંમાં મધ નાખીને ભૂખ લાગે તો ખાતા. જે જે લોકો અલ્સર માટે કે એસિડિટી માટે એલોપથીક દવા લે છે તેને બકરું કાઢતાં ઊટ પેસે છે. અનેક આડઅસરો એની એલોપથીક દવા પેદા કરે છે. ડો. એન્ડ્રુ વીલ કહે છે કે જૂના જમાનાના એ બાહ્ય ઉપચાર (બિયર મધ કે બીજી બાહ્ય ઉપચારની ચેષ્ટા) ઘા મટાડતા નથી. ઔષધો તો માનવીના મનને મનાવવા અગર કહો કે ‘છેતરવા’ માટેનાં ઉપકરણો છે. એ ઉપકરણો થકી જગતમાં ૧૦૦૦ અબજ ડોલરનો તબીબી ઉધોગ ચાલે છે. આજે તમારી બીમારીમાંથી ડોકટરો-વૈધો નવા અબજપતિ બન્યા છે. સરસ્વતીચંદ્રની નવલકથામાં હીરો જંગલમાં જાય છે ત્યાં તેને ઘાવ પડે છે. તેણે ઘાબાજરિયું નામના છોડનો રસ આપોઆપ સરસ્વતીચંદ્રને પગે ઘસાયો તો ઘા સારો થયો. તેણે તેની પ્રેમિકાનાં વિરહને સમય થકી સહન કર્યોડો. એન્ડ્રુ વીલે જે અંગ્રેજીમાં વાકય લખ્યું છે તે વાંચવા જેવું છે.

Wound healing is a model for healing other ailments in general. Becoming familiar with it and that the ailment goes automatically is an important piece of medical self knowledge. આ ૨૬ વર્ષ પહેલાં કહેલી વાત છે. આજે તમારે પરસેવાની કમાણી પૈસા ખાઉ ડોકટરોને ન લૂંટાવવી હોય તો તમારે જ તમારા ડોકટર થવું પડશે. એ પ્રકારે સંસારમાં કે તમારા લગ્નજીવનમાં કે પ્રેમજીવનમાં પછડાટ ખાઓ ત્યારે કપા કરીને કોઈ બીજા પાસે તમારી બળતરા કાઢશો નહીં. બીજા લોકો સાંભળીને પછી તમારી જ કૂથલી કરશે. તમારા અંગત પ્રેમના પછડાટની પ્રેમી પાત્ર સાથે જ ચર્ચા કરો. સમયને પસાર થવા દો. સંબંધ સુધરશે અગર તો એ બેવફાઈના ઘાવને સહન કરવાની અદ્ભુત કુદરતી શકિત મળશે.

ઉપરના અંગ્રેજી વાકયમાં ડો. એન્ડ્રુ વીલ કહે છે કે માનવીના સર્વ દર્દનો કે ઘાવનો ઈલાજ કુદરતી રીતે થાય છે. ઘાવનું જ્ઞાન જ સર્વોપરી છે. ઘાના પોતાની મેળ રૂઝાવવાની પ્રક્રિયાને જાણી લો. ઘાવ સાથે જીવો તો અને ઘાના રૂઝની પોતાની પ્રક્રિયાને ચાબુક મારીને જલદી સુધારવાને બદલે તેને સમજો. આટલું સમજાઈ જાય તો તબીબી જ્ઞાનનું આ રૂઝનું સાયન્સ સમજાઈ જશે. ચામડી પરનો વાઢ નજીવો હોય તો તમે અનુભવ્યું હશે આપોઆપ રૂઝાઈ જાય છે.પેટનું ઓપરેશન કર્યું હોય તો અંદરનો ઘા રૂઝાતાં વાર લાગે છે.

હાડકું તૂટયું હોય તો આપમેળે સંધાતા ઔર વાર લાગે છે. સિગારેટ પી પીને ફેફસાં કે લોહી ખરાબ કર્યાં હોય કે દારૂ પી પીને લીવર ખરાબ કર્યું હોય પછી તેને છોડી દો અને આરોગ્યમય રીતે જીવો તો બગડેલાં ફેફસાં કે બગડેલું લોહી કે લીવર કાળક્રમે સારાં થાય જ. હાયવોય કરનારા અને બીમાર પડયા પછી ખા ખા કરીને અને ચીઢિયો સ્વાભાવ કરીને, એક પછી એક ડોકટરને પકડે છે. પૈસા બગાડે છે. ખરા વિલન તમે છો. તમારે પોતે જ શરીરની બાબતમાં હીરો બનવાનું છે.

ડો. એન્ડ્રુ વીલ કહે છે કે સાજા થવાની ક્રિયા એ માત્ર શરીરની જ નથી. આપોઆપ સાજા થવામાં શરીર સાથે મન પણ તમારો પોતાના મોટો ડોકટર બને છે. ડો. વીલ કહે છે.

‘રિમેમ્બર-વી આર માઈન્ડબોડિઝ સો ધેટ હિલિંગ લાઈક હેલ્થ એન્ડ ઈલનેસ મસ્ટ ઓલ્સો બી સાયકોલોજિકલ.’ આપણે માત્ર સ્થૂળ શરીર જ નથી. આપણે તો મન, મન અને મનથી જ બનેલા છીએ. એટલે બીમારી સારી કરવામાં કે બીમારી લાવવામાં માનસકિ કારણો હોય છે. એ કારણો બીજા ડોકટરો કરતાં તમે વધુ સમજી શકો છો પણ તમારે એ બોજ લેવો નથી. એક જમાનો હતો કે ડોકટરો પાસે સાંજ પડયે રોગચાળો ન હોય ત્યારે બહુ ઓછા દર્દી આવતા. ડોકટરો ત્યારે કવિ બનતા, વાર્તાકાર બનતા. ડિસ્પેન્સરીમાં કવિમિત્રો આવતા. દર્દી આવે તો પ્રેમથી વાતો કરતા. આજે એ હાલત નથી. આજે ડોકટરો માટે તમે પેશન્ટ નથી. પેશન્ટ શબ્દ કેટલો બધો સૂચક છે! પેશન્ટ સાથે પેશન્સ શબ્દ જોડાયેલો છે. તમારે ધીરજ રાખવાની છે. આ પેશન્ટ એક ઘરાક બન્યો છે.

જો ડોકટર આવા બજારુ થયા છે તો તમારી કુદરતની અમૂલ્ય ભેટરૂપી શરીર શું કામ તેને હવાલે કરવું જોઈએ? તમે ડો. એન્ડ્રુ વીલનું પુસ્તક વાંચશો તો બધી વાત સાફ થશે. તેમણે લખ્યું છે કે શરીરમાં ઈન્ફેકશન થયું હોય તો તેની પ્રતિક્રિયારૂપે તાવ આવે છે. એ તાવ સાજા થવાની પ્રક્રિયાનો અંતરંગ ભાગ છે. તાવનો ઉપચાર ન કરો. તેને ઊતરવા દો. નહીં ઊતરે તો કયા જશે? લિન્ડલ્હાર નામના નિસર્ગોપચારકે તો કહેલું Give me fever and I will care every disease. તાવ તો તમારા શરીરને તમે રગડયું હોય અને નિષ્કાળજી કરી હોય તેની ચેતવણીરૂપે અને તમને સાજા કરવાની વિધિરૂપે આવે છે!

માનવીના શરીરમાં તમારી જાણ વગર જ સતત રિજનરેશન થતું હોય છે. તારકભાઈ શરાબ પીતાં. તેનું લીવર કે હૃદય બગડયાં હોય તો શરાબ છોડયા પછી આપોઆપ સાજા થવાની પ્રક્રિયામાં પડયાં. સાત્ત્વિક આહાર રાખો. તેથી લીવરના કોષોમાં જ આપોઆપ સાજા થવાની પ્રક્રિયા સમાયેલી છે. તેથી લીવર સારું થયું. લીવર પોતે સતત પોતાનું નવસર્જન કર્યાં કરે છે. આપણે જો તેલિયા ખોરાક, દારૂ અને બીજો અત્યાચાર કરીએ ત્યારે જ લીવર જવાબ દઈ દે છે.

યાદ રહે કે માનવીના મોટા ભાગના અંગે કોહવાઈ ગયાં હોય તેનું પણ નવસર્જન કરી શકાય છે. આપણા તમામ કોષોમાં માનવીનું જે જિનેટિક મટિરિયલ (મૂળભૂત ગુણસૂત્ર) છે તે સાજા થવાના ગુણો લઈને આવ્યું છે. એ ગુણસૂત્રોની શકિત પર માણસે વિશ્વાસ રાખવો જોઈએ. કોઈપણ ઉપચારપદ્ધતિ અપનાવો. આયુર્વેદ કે હોમિયોપથીમાં પણ સિદ્ધાંત રાખો કે વૈદ કે હોમિયોપથી તમારા પર સવાર ન થઈ જાય. આયુર્વેદની ટીકડીઓના ખડકલા ન ખડકાય. ઓછામાં ઓછું ઔષધ અને વધુમાં વધુ શ્રદ્ધા સાથે કુદરતી ઉપચાર જ કોઈપણ હઠીલાં દર્દને હટાવે છે. મન તે મોજીલું રાખો તો સોનામાં સુંગધ! ડો. એન્ડ્ર વીલની ‘જન્મપત્રિકા’ જાણો. તેઓ હાર્વર્ડની સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજીની ડિગ્રી લઈ પછી હાર્વર્ડ મેડિકલ કોલેજમાં એમ. ડી. થયા. તેણે જોયું કે એલોપથીક દવા નકામી છે ત્યારે તેણે પ્રથમ પુસ્તક લખ્યું ‘ધ નેચરલ માઈન્ડ.’ તેમને હાર્વર્ડ બોટનિકલ મ્યુઝિયમમાં કુદરતી ઔષધો માટેના છોડ ઉપર સંશોધન કરવાનું કામ સોંપાયું. તેઓ આખા વિશ્વમાં ફર્યા.

તેમણે પછી પોતાનું મેગેઝિન ‘ઈન્ટિગ્રેટિવ મેડિસનિ’ શરૂ કર્યું છે. આજે તેઓ મોટે ભાગે હર્બલ થેરપી એટલે કે ઔષધીય છોડમાંથી મળેલી દવા વાપરે છે. જરૂર પડે તો એકયુપંકચર કે હિપ્નોટિઝમનો પણ ઉપયોગ કરે છે. કિરિયોપ્રેકિટસ પણ કરે છે. જરૂર પડે તો જ મિનિમમ, એટલે એકદમ સૂક્ષ્મ પ્રમાણમાં દવા વાપરે છે. તેમની ઈન્ટિગ્રેટિવ મેડિસનિની ફિલસૂફીમાં આ બધુ જ આવી જાય છે. એલોપથીને ધિક્કારતા નથી. અલબત્ત જીવનમાં કોઈ ધિક્કાર જ ન હોવો જોઈએ, સ્વીકાર હોવો જોઈએ. પ્રેમજીવનમાં પછડાટ ખાઓ ત્યારે પણ ધિક્કારને બદલે સહિષ્ણુતા રાખો તેમ ડોકટર કહે છે. જેવો સંબંધ હોય તેવો દૂરથી જાળવી રાખો.

ડોકટર પોતે ઓર્ગેનિક ફૂડ અને ઓર્ગેનિક શાકભાજી (કુદરતી ખાતરવાળાં) ખાય છે તેના બંગલા પાછળ એરિઝોનામાં તે ૨૫૦૦ ચોરસ ફૂટનો ફ્રુટ-શાકભાજીનો ગાર્ડન રાખે છે. બહુ જ ઓછા પ્રમાણમાં કુદરતી ઉછેરવાળી ગાયનાં દહીં-છાશ વાપરે છે. સી. એન. એન. ટીવી ઉપર લેરી કિંગ લાઈવના પ્રોગ્રામને તમે જાણો છો. તેમાં તેણે છેલ્લે સલાહ શું આપેલી? તેણે કહેલું-ખાંડ છોડો. વધુ પડતા રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ અને ચરબીયુકત આહાર છોડો. બસ પછી મુકત મને ફરો. મુકત પ્રેમ કરો.

4 comments:

  1. vadhu to nature ne samjo.shradha jivan ma bahuj jruri che. ochu khave gam khav, ochu bolo, potani jatne prem kro, smjo, badhi vastuma limit rakho. hmesha smayne sachvo samy tmne sachvshe, hasta ramta sathe jivo. ek bijani prashnsha kro, man aapo je aapsho e malshe.

    ReplyDelete
  2. Are saheb badha ne aapne namra banine badhu aapiye 6ataye jene aapyu hoy ene k koi biji vyakti ne khotu lagi jay 6 jyare ene e samaye biji vykti ne e nathi maltu tyare...

    Exm: Ghar ma koi 1 vyakti ni prashansha karo to biji koi vykti ne khotu lagi jay kone kaya samaye sachvva ???

    ReplyDelete